અમેરિકી રાષ્ટ્રપતિના વરિષ્ઠ સલાહકાર નવારોએ મંગળવારે જણાવ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે ખૂબ સારા સંબંધો છે. બંને નેતાઓ રશિયન તેલ સંબંધિત 100% ટેરિફના મુદ્દાને પરસ્પર ઉકેલી લેશે.
હકીકતમાં, શુક્રવારે અમેરિકી સેનેટે 86-11ના બહુમતીથી ભારત સહિત 5 દેશો પર 100% સુધીનો ટેરિફ લગાવતું બિલ પસાર કર્યું હતું. જોકે, હજુ આ કાયદો બન્યો નથી. હજુ તેને અમેરિકી સંસદના નીચલા ગૃહ એટલે કે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં મોકલવામાં આવશે.
બિલ મુજબ ભારત, ચીન, સ્લોવાકિયા, હંગેરી અને અઝરબૈજાન પર 100% ટેરિફ લગાવી શકાય છે. તેનો હેતુ રશિયાની તેલમાંથી થતી કમાણી ઘટાડવાનો છે, જેથી તેની યુદ્ધ લડવાની ક્ષમતા નબળી પડી શકે.
23 જુલાઈએ રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદનારા દેશો પર 100% સુધી ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. પરંતુ બિલના શરૂઆતી ડ્રાફ્ટમાં 500% ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ હતો, પરંતુ બાદમાં તેને ઘટાડીને 100% કરી દેવામાં આવ્યો.
ઈરાન સાથે ટ્રેડ કરતી કંપનીઓ પર પ્રતિબંધ વધશે
જો આ કાયદો બની જાય છે તો 1996નો ‘ઈરાન પ્રતિબંધ કાયદો’ 2031 સુધી લંબાવવામાં આવશે. આ કાયદો એવી બિન-અમેરિકી કંપનીઓ પર પ્રતિબંધ મૂકે છે જે ઈરાન સાથે વેપાર કરે છે. આ કાયદો આ જ વર્ષે સમાપ્ત થવાનો હતો.
આ બિલથી અમેરિકી રાષ્ટ્રપતિને એ અધિકાર પણ મળી જશે કે તેઓ અમેરિકામાં આવતા રશિયન સામાન પર 500% સુધી ટેરિફ લગાવી શકે. રાષ્ટ્રપતિનો આ અધિકાર 5 વર્ષ સુધી લાગુ રહેશે.