અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર AI-જનરેટેડ વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તેઓ ભારતના રસ્તાઓ પર બાઇક ચલાવતા દેખાય છે.
આ એક મિનિટના AI વીડિયોમાં ટ્રમ્પ અલગ-અલગ અંદાજમાં દેખાય છે. વીડિયોમાં તેમને રણમાં ઊંટ પર સવારી કરતા, પેરાગ્લાઇડિંગ કરતા અને એક સિંહ પર સવારી કરતા બતાવવામાં આવ્યા છે.
એક સીનમાં તેઓ સ્પેસસૂટ પહેરીને ચંદ્ર પર અમેરિકન ધ્વજ ફરકાવતા પણ દેખાય છે. વીડિયોમાં તેમનો ચહેરો પિઝા પર, બસ પર, હોર્ડિંગ, નોર્ધન લાઇટ્સ અને માઉન્ટ રશમોર પર પણ બતાવવામાં આવ્યો છે.
વીડિયોના બેકગ્રાઉન્ડમાં પોતાની પ્રશંસા કરતું ગીત વાગી રહ્યું છે. તેમાં સતત ‘એવરીબડી લવ્સ ડોનાલ્ડ ટ્રમ્પ’ અને ‘થેંક યુ પ્રેસિડેન્ટ ટ્રમ્પ’ જેવું ગીત સતત સાંભળી શકાય છે.
વીડિયોના ગીતમાં દાવો કરવામાં આવ્યો હતો કે દુનિયાના અલગ-અલગ ભાગોમાં લોકો ટ્રમ્પને પસંદ કરે છે. ગીતની લાઈનમાં કહેવામાં આવ્યું હતું કે મેક્સિકો, મિડલ ઈસ્ટ, ચીન અને ભારતમાં બધા ટ્રમ્પને પસંદ કરે છે.
જોકે, આ વીડિયો માત્ર એક મિનિટનો હતો, પરંતુ તેમાં ‘ટ્રમ્પ’ શબ્દનો ઉપયોગ 45 વાર અને ‘ડોનાલ્ડ’ નામનો ઉપયોગ 29 વાર કરવામાં આવ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ‘એવરીબડી લવ્સ ડોનાલ્ડ ટ્રમ્પ’ ગીત ટ્રુથ સોશિયલ પર ‘ac132’ નામના યુઝરે બનાવ્યું હતું. વીડિયોના અંતમાં ગીતની ક્રેડિટ એન્થની કોન્સ્ટન્ટિનોને આપવામાં આવી છે.
તેઓ ન્યૂયોર્કથી ટ્રમ્પ સમર્થિત રિપબ્લિકન ઉમેદવાર છે. વીડિયો શેર થયા પછી કોન્સ્ટન્ટિનોએ કહ્યું કે તેમને ગર્વ છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમનું ગીત શેર કર્યું.