કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા SIR (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન) મુદ્દે ફેલાવવામાં આવતી ભ્રામક માહિતી સામે તથ્યો ઉજાગર કરવા અને લોકતાંત્રિક સંસ્થાઓ પ્રત્યે જનવિશ્વાસ મજબૂત કરવા ભાજપે ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો અભિયાન’ શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત આજે (27 ઓક્ટોબર) અમદાવાદ અને રાજકોટમાં ભાજપે પદયાત્રા યોજી હતી.
રાજકોટમાં બહુમાળી ભવન પાસેની સરદાર પટેલની પ્રતિમાથી શરૂ થયેલી પદયાત્રા ત્રિકોણબાગે પૂર્ણ થઈ હતી. આ યાત્રામાં ભાજપ પ્રદેશ પ્રભારી તરુણ ચુગ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, પ્રદેશના સહ પ્રભારી અજય મહાવર તથા પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવે સહિતના કાર્યકર્તાઓ જાહર રહ્યાં હતાં.
અમદાવાદમાં નવા વાડજ વ્યાસવાડી ચાર રસ્તાથી ભગવાન પરશુરામની પ્રતિમા પાસેથી સુભાષબ્રિજ સુધીની 1.5 કિલોમીટર લાંબી પદયાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી સહિતના ગાંધીનગરના મોટી સંખ્યામાં નેતાઓ-કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતાં.
સૌરાષ્ટ્રભરના ભાજપના નેતાઓની ઉપસ્થિતિ વચ્ચે રાજકોટમાં ભાજપની પદયાત્રા સામે કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન અને હલ્લાબોલ કર્યું હતું. સ્થિતિને નિયંત્રણમાં લેવા શહેર કોંગ્રેસ કાર્યાલયને ચુસ્ત બંદોબસ્ત સાથે પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું.
કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરોએ ‘ભાજપ હટાવો, દેશ બચાવો’ના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો. પોલીસે બેરિકેડિંગ કરીને નેતાઓને કોર્ડન કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિરોધ દર્શાવવા અને ગુલાબ આપવા માટે કેટલાક કાર્યકરો પોલીસ વાન પર પણ ચડી ગયા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે તકેદારીના ભાગરૂપે વિરોધ કરી રહેલા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી.