શહેરના રખિયાલ વિસ્તારમાં આવેલા અજિત મિલ બ્રિજથી ગરીબનગર તરફ આવતા રોડ પર સોમવારની રાત્રે એક અત્યંત ગમખ્વાર અને હૃદયદ્રાવક અકસ્માતની ઘટના બની. ચાલુ કારે ચાલકને અચાનક આંચકી (ખેંચ) આવી જતાં બેકાબૂ બનેલી પૂરપાટ ઝડપની કારે માર્ગ પર લોહીની હોળી રમી હતી.આ ભયાનક દુર્ઘટનામાં એક એક્ટિવા સવાર યુવતીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 6 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
પોલીસ તપાસમાંથી મળતી વિગતો અનુસાર, ઓઢવના વિરાટ નગર રોડ પર આવેલા શ્રદ્ધા બંગલોમાં રહેતા 40 વર્ષીય મયંકકુમાર દીપકભાઈ પટેલ પોતાની સફેદ રંગની ટાટા હેરિયર કાર લઈને પસાર થઈ રહ્યા હતા. કારમાં તેમની સાથે પત્ની ડિમ્પલબેન અને દીકરો કર્મ પણ સવાર હતા. રાત્રે અંદાજે 9:40 વાગ્યે અજિત મિલ બ્રિજ ઉતરતી વખતે મયંકકુમારને અચાનક આંચકી (ખેંચ) આવી જતાં તેમણે વાહન પરનો કાબૂ સંપૂર્ણપણે ગુમાવી દીધો હતો.