ગુજરાતમાં એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના કારણે રાજકીય ગરમામવો છે. તો બીજી તરફ કુદરતી ગરમીએ પણ પ્રકોપ બનાવવાની શરૂઆત કરી દીધી છે. 26મી એપ્રિલે રાજ્યમાં પાલિકા-પંચાયતની ચૂંટણીમાં મતદાન યોજાવાનું છે. ત્યારે અંબાલાલ પટેલે ગરમીને લઈ કરેલી આગાહીએ રાજકીય પક્ષોની ચિંતા વધારી છે. 26મીએ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ગરમીનો પારો 41 થી 42 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. ત્યારે રાજકીય પક્ષોએ સવારે 10 પહેલા અને બપોરે સાડા ચાર વાગ્યા પછી વધુમાં વધુ મતદાન થાય તે માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ મુજબ 21થી 23 એપ્રિલ દરમિયાન પ્રી-મોન્સૂન એક્ટિવિટીથી થોડી રાહત મળી શકે છે, પરંતુ મતદાનના દિવસે ગરમી યથાવત રહેવાની શક્યતા છે. રાજ્યના વિવિધ ઝોનમાં મધ્ય ગુજરાતમાં 42 ડિગ્રીથી વધુ તાપમાન રહેવાની શક્યતા છે, જ્યારે ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં પણ 42 ડિગ્રી આસપાસ ગરમી રહેશે. સૌરાષ્ટ્રમાં 38થી 42 ડિગ્રી, કચ્છમાં 40 ડિગ્રી અને દક્ષિણ ગુજરાતમાં 38થી 40 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.