રાજકોટ જિલ્લામાં છેલ્લા ચાર-પાંચ દિવસથી ખાબકી રહેલા કમૌસમી વરસાદના પગલે ખેતીપાકને મોટુ નુકસાન થયું છે. તેમજ હજુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હોય વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. આ દરમિયાન જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ખેતીપાકમાં થયેલા નુકસાનીનો સર્વે આવતીકાલથી શરૂ કરવામાં આવનાર છે. રાજકોટ જિલ્લામાં 2.35 લાખ હેક્ટરમાં વાવેતરને મોટું નુકસાન થયાની શકયતા હોવાથી 71 ટીમો દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવનાર હોવાનું અધિક કલેક્ટર એ. કે. ગૌતમે જણાવ્યું છે.
ખેતીપાકની સર્વે કામગીરી માટે 71 ટીમોની રચના અધિક કલેકટર એ.કે. ગૌતમે જણાવ્યું હતું કે, જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કમૌસમી વરસાદથી ખેતીપાકને મોટું નુકસાન થયું હોય જિલ્લા કલેકટરના આદેશના પગલે ખેતીવાડી અધિકારીઓ દ્વારા ખેતીપાકની સર્વે કામગીરી માટે 71 ટીમોની રચના કરવામાં આવી છે. ટીમો દ્વારા આવતીકાલ તા. 31 ઓક્ટોબરથી જિલ્લામાં સર્વે કામગીરી શરૂ કરી દેવાશે. સર્વે કામગીરીની ગ્રામ સેવકો અને વિસ્તરણ અધિકારીઓને જવાબદારી સોપી દેવામાં આવી છે.
2.35 લાખ હેક્ટરમાં વાવેતરને નુકસાનીની શકયતા જિલ્લામાં 5,21,999 હેકટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે. જેમાં કમૌસમી વરસાદના પગલે આ ખેતીપાકનો સોંથ વળતા 2,35,492 હેકટર જમીનમાં નુકસાન થયું હોવાનો અંદાજ છે. જિલ્લાના ધોરાજી, જેતપુર, લોધીકા, જસદણ, ઉપલેટા, ગોંડલ, વિંછીયા સહિતના તાલુકાઓમાં કમૌસમી વરસાદથી ખેતીપાકને મોટુ નુકસાન થયું છે. જેની સર્વે કામગીરી આવતીકાલથી જ ગ્રામ સેવકો દ્વારા શરૂ કરાશે. અને 10 દિવસમાં તે પૂર્ણ પણ કરી દેવાશે.