કુલપતિની નિમણૂકનું કોકડું ગૂંચવાયું, દિવાળી પછી નામ જાહેર થવાની વકી

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની હજુ આશરે ચાર યુનિવર્સિટીમાં કાયમી કુલપતિ નિયુક્ત કરવાનું કોકડું ગૂંચવાયું છે. અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પૂર્વ કુલપતિ ડૉ.નીતિન પેથાણીનું નામ ચર્ચામાં હતું, પરંતુ ત્યારબાદ વર્તમાન ઇન્ચાર્જ કુલપતિ ડૉ.કમલસિંહ ડોડિયાને કરિયર એડવાન્સમેન્ટ સ્કિલ બેઠક પ્રમોશન મળતા હવે ફરી સમીકરણો બદલી ગયા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી કુલપતિ બનવા હવે ડૉ.ડોડિયા સૌથી વધુ પ્રબળ દાવેદાર હોવાનું ચિત્ર ઉપસ્યું છે. જોકે હવે આ કોકડું દિવાળી પછી જ ઉકેલાય તેવી સંભાવના છે. કારણ કે, રાજ્યમાં અગાઉ બે યુનિવર્સિટીમાં કાયમી કુલપતિના ઓર્ડર કર્યા પછી પણ બદલવા પડ્યા હતા જેથી હવે શિક્ષણ વિભાગ કોઈ જોખમ લેવા માગતું ન હોય તેવી સ્થિતિ છે.

ટીચર્સ યુનિવર્સિટીના કુલપતિ તરીકે NIOSના ચેરમેન ડો.સરોજ શર્માની નિમણૂક કરાયા બાદ સળંગ એક માસ સુધી તેઓએ ચાર્જ સંભાળ્યો નહોતો. આશ્ચર્યની વાત એ છેકે, છેલ્લી ઘડી સુધી તેઓ ચાર્જ સ્વીકારવા તૈયાર હોવાના નિવેદનો પણ આપ્યા હતા. આમ છતાં સરકારે છેલ્લી ઘડીએ તેમની નિમણૂક રદ કરવાની જાહેરાત કરવી પડી હતી. હાલમાં તેમના સ્થાને એમ.એસ.યુનિવર્સિટીના નિવૃત્ત પ્રોફેસર આર.સી.પટેલની નિમણૂક કરી છે. અગાઉ ભાવનગર યુનિવર્સિટીમાં પણ કુલપતિની નિમણૂક બાદ ચાર્જ સ્વીકારવા ઇનકાર કરી દીધો હતો. હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, જૂનાગઢની નરસિંહ મેહતા યુનિ., ભાવનગર યુનિ. સહિતની સ્ટેટ યુનિ.માં હજુ કાયમી કુલપતિ મુકાયા નથી. સૌરાષ્ટ્ર યુનિ.માં આશરે 3 વર્ષમાં 3 ઇન્ચાર્જ કુલપતિ મુકાયા પરંતુ કાયમી કુલપતિ હજુ મળતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *