રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં નવા ભળેલા વિસ્તારોના ઝડપી વિકાસ માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે. મનપાએ નવી 9 ટાઉન પ્લાનિંગ (ટીપી) સ્કીમ તૈયાર કરવા માટે એજન્સી રોકવા ટેન્ડર પ્રસિદ્ધ કર્યા છે. અત્યાર સુધીમાં મનપાએ કુલ 59 ટીપી સ્કીમનો ઇરાદો જાહેર કર્યો છે, જેમાંથી 40 સ્કીમને પ્રારંભિક મંજૂરી મળી છે અને 19 સ્કીમના ડ્રાફ્ટ મંજૂર થઈ ચૂક્યા છે. હવે બાકી રહેલી સ્કીમો અને નવા વિસ્તારોમાં સર્વે તથા માપણીની કામગીરી વેગવંતી બનાવવા માટે આ નિર્ણય લેવાયો છે.
કામગીરી હેઠળ પસંદ થનાર એજન્સીને 5 વર્ષ જવાબદારી સોંપવામાં આવશે. જેમાં ડીજીપીએસ મશીન દ્વારા માપણી કરવી, નગરરચના યોજનાઓ માટે બેઝમેપ તૈયાર કરવા, રેકોર્ડ પ્રમાણિત કરવા, ડિમાર્કેશન જેવી મહત્વની કામગીરીનો સમાવેશ થાય છે. ખાસ કરીને વાવડી, કોઠારીયા અને મવડી જેવા વિસ્તારોમાં ડ્રાફ્ટની કામગીરી પૂર્ણતાના આરે છે ત્યારે અન્ય ગામોમાં આ પ્રક્રિયા શરૂ કરાશે. આ પ્રોજેક્ટ માટે મનપા દ્વારા કરોડોના ખર્ચે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને પારદર્શક આયોજન કરવામાં આવશે.
શહીદ સુખદેવ ટાઉનશિપમાં નબળા બાંધકામનો આક્ષેપ રાજકોટના શીતલ પાર્ક નજીક આવેલી શહીદ સુખદેવ ટાઉનશિપમાં ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો સ્થાનિક રહેવાસીઓ દ્વારા કરવામાં આવ્યા છે. વર્ષ 2022 માં તૈયાર થયેલા આવાસ યોજનામાં અત્યારથી જ નબળા બાંધકામની પોલ ખુલી રહી હોય તેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. આ ટાઉનશીપમાં કુલ 448 જેટલા ફ્લેટ ધારકો વસવાટ કરે છે, જેમાંથી અનેક મકાનોમાં ફ્લોરિંગની લાદીઓ ઉખડી ગઈ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, બાંધકામ દરમિયાન લાદી ફિટિંગમાં સિમેન્ટનો બહુ ઓછો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે માત્ર આંગળીઓના ટેરવે અડવાથી પણ લાદીઓ આખી ઉખડી રહી છે. આ મામલે રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
રહેવાસીઓએ માંગ કરી છે કે તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક તપાસ કરવામાં આવે અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરવામાં આવે. માત્ર 4 વર્ષના ગાળામાં મકાનોની હાલત બિસ્માર થવા લાગતા લોકોના જાન-માલના જોખમ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. હાલ નાણાં ખર્ચીને ઘર લેનારા મધ્યમ વર્ગના પરિવારો આ નબળા બાંધકામને કારણે મુશ્કેલીમાં મુકાયા છે.