રાજકોટની જનતા માટે મહાનગરપાલિકાનું આધાર કેન્દ્ર પીડાં આપવાનું કેન્દ્ર બન્યું છે. નાગરિકો નાના-નાના કામો કરાવવા માટે ચાર-ચાર દિવસથી ધક્કા ખાઈ રહ્યાં છે. આધાર કેન્દ્ર બહાર પણ લાંબી લાઈનો લાગેલી હોવાથી કલાકો સુધી ખડેપગે રહેવું પડે છે. આખો દિવસ બગાડ્યા બાદ પણ લોકોનું આધાર કાર્ડનું કામ ન થતાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેશનીય છે કે, દિવાળી પૂર્વે મહાનગરપાલિકામાં આધારકાર્ડ સેન્ટરના તમામ 18 ઓપરેટરોને એક સાથે એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. અંદાજે બે મહિના પહેલાની એન્ટ્રીમાં મીસમેચ થતા મુંબઈની રિઝનલ કચેરી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. જેના મનપાની ઇસ્ટ અને વેસ્ટ ઝોનમાં આધારકાર્ડની કામગીરી ઠપ્પ થઈ છે. હાલ માત્ર સેન્ટ્રલ ઝોન કચેરીમાં આધાર કાર્ડની કામગીરી 4 નવા ઓપરેટરો દ્વારા કરવામાં આવી રહી છે.