જૂનાગઢ પોલીસના અધિકારી પેરામોટર ફ્લાઇંગ કરી પરિક્રમાની તમામ ગતિવિધિ પર રાખી રહ્યા છે નજર

જૂનાગઢના ગિરનારમાં લીલી પરિક્રમા શરૂ થઈ ગઈ છે, જેમાં દર વર્ષે લાખો યાત્રાળુઓ ઊમટી પડે છે. યાત્રાળુઓની સુરક્ષા માટે પોલીસ વિભાગ અને વન વિભાગ ખડેપગે રહે છે. ત્યારે હવે જૂનાગઢ પોલીસ આ પરિક્રમાનું આકાશી પેટ્રોલિંગ પર કરી રહ્યું છે. પોલીસના અધિકારી પેરામોટર ફ્લાઈંગ કરી પરિક્રમાની તમામ ગતિવિધિ પર નજર રાખી રહ્યા છે, જેનો આકાશી નજારો પણ સામે આવ્યો છે.

ગિરનારની પરિક્રમામાં જૂનાગઢ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પરિક્રમામાં આવનારા યાત્રાળુઓની સુરક્ષા માટે 3000 પોલીસકર્મી તહેનાત કરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યના નવ જિલ્લાઓની પોલીસને પરિક્રમા માટે ફરજ પર ગોઠવવામાં આવ્યા છે. આ પરિક્રમામાં પોલીસનું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ પણ શરૂ છે તેમજ આ પરિક્રમામાં માનવીય અભિગમ દ્વારા પણ યાત્રાળુઓની મદદ કરવામાં આવી રહી છે. અત્યારસુધીમાં આઠ લાખથી વધુ યાત્રાળુઓ પરિક્રમામાં જોડાયા છે.

જૂનાગઢના એસપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે હાલ જૂનાગઢમાં પરિક્રમા શરૂ છે, જેમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. એક સર્વેલન્સ માટે આ પેરામોટરનો ઉપયોગ કરવામાં આવશે. ભૂતકાળના જે અનુભવો થયા છે એને લઈ તાત્કાલિક જો કોઈ સર્વેલન્સની જરૂર પડે, જગ્યા પર કોઈ વાહન જઈ શકે એમ ન હોય ત્યાં આ પેરામોટરનો પ્રયોગ કરવામાં આવશે. આ પેરામોટરમાં એક પાઇલટ અને એક અધિકારીએ પાઇલોટિંગ કર્યું હતું, સાથે આ સમયે કેમેરા રાખી પરિક્રમા રૂટ ચેક કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *