ગુજરાતની એકમાત્ર સરકારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચ.ડી. કરવું હવે ખૂબ મોંઘુ બની રહેશે. કારણ કે, આ યુનિવર્સિટી દ્વારા પીએચ.ડી. રજિસ્ટ્રેશન ફીમાં 300 ટકાનો વધારો કરી નાખવામાં આવ્યો છે. એટલે કે ગત વર્ષે જે વિષયોમાં Ph.D પ્રવેશ પરીક્ષા લેવામાં આવી તેમાં ફી રૂપિયા 500 હતી. તે આ વર્ષે 26 વિષયો કે જેમાં Ph.D પ્રવેશ પરીક્ષા લેવામાં આવી નથી તેમાં રૂપિયા 1500 લેવાનું તો જે 3 વિષયોમાં જ્યા પરીક્ષા લેવામાં આવશે તેમાં ફી રૂપિયા 2000 કરી નાખવામાં આવી છે. B ગ્રેડ ધરાવતી આ યુનિવર્સિટીમાં પીએચ.ડી. કરવું મોંઘુ બનતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહયો છે, ત્યારે આજે NSUI પ્રદેશ પ્રમુખ સહિતનાં કાર્યકર્તાઓએ ઇન્ચાર્જ કુલસચિવ પર નકલી ચલણી નોટ ઉડાવવામાં આવી હતી. બાદમાં નારેબાજીની સાથે રામધૂન બોલાવી ઉગ્ર વિરોધ કરવામા આવ્યો હતો. ગુજરાત યુનિવર્સિટી, SP યુનિવર્સિટી, આંબેડકર યુનિવર્સિટી અને નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં Ph.D પ્રવેશ પરીક્ષા લેવામાં આવતી હોવા છતા અહીં પ્રવેશ પરીક્ષા ન લઈ વિદ્યાર્થીઓને મોટું નુકશાન પહોચાડવામાં આવી રહ્યુ છે.
રજિસ્ટ્રેશન ફી રૂપિયામાં એક સાથે 300 ટકાનો વધારો રાજ્ય સરકાર દ્વારા પીએચ.ડી.માં એડમિશન માટે જીકાસ મારફત ઓનલાઈન ફોર્મ ભરવાનું ગત 1 ઓક્ટોબરથી શરૂ થયું હતું, ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મોડે મોડેથી 5 ઓક્ટોબરના પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો કે, જે વિદ્યાર્થીઓએ NET એટલે કે નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ પરીક્ષા પાસ કરી હશે તેવા વિદ્યાર્થીઓને જ પીએચ.ડી.માં એડમિશન મળશે. જેનાથી ભૂતકાળમાં પીએચ.ડી.ની પ્રવેશ પરીક્ષા પાસ કરી છે તેવા હજારો વિદ્યાર્થીઓએ પાસ કરેલી પરીક્ષા રદ ગણાશે અને આ રીતે વિદ્યાર્થીઓના ભવિષ્યને દાવ ઉપર મૂકી અને ગાઈડસની મનમાનીને આધીન બની યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડૉ. કમલ ડોડિયા અને કાર્યકારી કુલસચિવ ડૉ. રમેશ પરમારે નિર્ણય કર્યો હતો, ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 29 વિષયમાં પીએચ.ડી. કરવા માટે 224 બેઠક સામે 10 ગણા વધુ એટ્લે કે 2212 વિદ્યાર્થીઓએ દાવેદારી નોંધાવી હતી. નેશનલ એલિજિબિલિટી ટેસ્ટનું પરિણામ જાહેર થતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 26 વિષયમાં પ્રવેશ માટે GCAS મારફત ફોર્મ ભરતા 2212 વિદ્યાર્થીઓ પાસેથી નેટની પરીક્ષામાં પાસ થયાનું સર્ટિફિકેટ ઓનલાઇન અપલોડ કરવાનું કહેવામાં આવ્યું છે. અત્યારસુધીમાં 190થી વધૂ NET પાસ વિદ્યાર્થીઓએ પીએચ.ડી. કરવા માટે રજિસ્ટ્રેશન ફી ભરી ફોર્મ ભર્યું છે. જોકે, રજિસ્ટ્રેશન ફી રૂપિયા 500થી વધારી રૂપિયા 1500 કરી નાખવામાં આવી છે. ફીમાં એક સાથે 300 ટકાનો વધારો થતા વિદ્યાર્થીઓમાં આંતરિક રોષ ફાટી નીકળ્યો છે.