BCCIએ રોહિત શર્માની નિવૃત્તિની અટકળો ફગાવી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ કેપ્ટન રોહિત શર્માના નિવૃત્તિને લઈને ચાલી રહેલી અટકળોને નકારી કાઢી છે. BCCI સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું કે રવિવારે લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ સામે રમાનારી ત્રીજી વનડે રોહિત શર્માની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ નહીં હોય.

સૈકિયાએ PTI ને જણાવ્યું કે- રોહિતના ભવિષ્યને લઈને મીડિયામાં અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે એવી કોઈ ચર્ચા થઈ નથી કે રોહિત રવિવારે લોર્ડ્સમાં તેની છેલ્લી મેચ રમશે. તેમણે કહ્યું કે રોહિત આગળ પણ ભારત માટે રમવાનું ચાલુ રાખશે.

આ પહેલા ઇન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે 19 જુલાઈએ લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ સામેની ત્રીજી વનડે રોહિત શર્માની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ હોઈ શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે BCCI એ રોહિતને જણાવી દીધું છે કે તેઓ 2027 વનડે વર્લ્ડ કપની યોજનાનો ભાગ નથી.

ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, BCCIના પસંદગીકારોએ કહ્યું હતું કે રોહિતની જગ્યાએ યશસ્વી જયસ્વાલ જેવા યુવા ખેલાડીઓને તક આપવામાં આવશે. નિવૃત્તિ લેવાનો કે પસંદગી માટે ઉપલબ્ધ રહેવાનો નિર્ણય રોહિત શર્મા પર છોડી દેવામાં આવ્યો છે.

સાથે જ, ઇંગ્લેન્ડ પ્રવાસ પર તેમના પ્રદર્શનને પણ આ ચર્ચાનું એક કારણ ગણાવવામાં આવ્યું હતું. પ્રથમ બે વનડેમાં રોહિત માત્ર 11 અને 26 રન જ બનાવી શક્યા હતા. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ફિટનેસ પર કામ કરવા છતાં રોહિત પસંદગીકારોના નિર્ણયથી સંતુષ્ટ નથી અને તેમણે BCCIના કેટલાક અધિકારીઓ સાથે પણ આ મુદ્દે ચર્ચા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *