જુગારની બાતમી દીધાની શંકાએ સાઇકલ સ્ટોરના સંચાલકને માર મારી રૂપિયા પડાવ્યા

શહેરમાં પોલીસની ધાક ઢીલી પડતા લુખ્ખાઓ બેકાબૂ બન્યા હોય તેમ પોપટપરા પાસેના કૃષ્ણનગરમાં છેલ્લા કેટલાક સમયથી ચાલતા જુગારધામ પર દરોડો પાડી ક્રાઇમ બ્રાંચની ટીમે ભિસ્તીવાડના નામચીન મોહસીન મોટાણી સહિત 9 શખ્સને ઝડપી લઇ તેની પાસેથી સવા લાખની રોકડ સહિતની મતા કબજે કરી હતી. બનાવમાં પોલીસને બાતમી આપ્યાની શંકાએ પરસાણાનગરમાં રહેતા અને સાઇકલ સ્ટોર ચલાવતા યુવકને ફોન કરી પોપટપરામાં બોલાવી મોહસીન સહિત ત્રિપુટીએ પાઇપ વડે ફટકારી મારી નાખવાની ધમકી આપી અને બળજબરીથી તેની પાસેથી રૂ.8200ની રોકડ પડાવી લઇને નાસી ગયાની ફરિયાદ કરતા પોલીસે નામચીન સહિત ત્રિપુટીને પકડી લેવા મથામણ કરી હતી.

પરસાણાનગરમાં રહેતા અને 150 ફૂટ રિંગ રોડ પર ગોકુલધામ પાસે કમલેશ સાઇકલ સ્ટોર ચલાવતા કમલેશભાઇ ઉર્ફે ટીકુ ગોવિંદભાઇ નેબાણીએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે મોહસીન મોટાણી, જુબેર ઉર્ફે ટીન્કુ અને સદામના નામો આપ્યા હતા. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.22ના રોજ રાત્રીના મોહસીને ફોન કરી પોપટપરામાં બોલાવ્યો હતો. જ્યાં જતા મોહસીન અને ભોમેશ્વરમાં રહેતો જુબેર અને ટીન્કુ હાથમાં લોખંડના પાઇપ સાથે ઊભા હતા. દરમિયાન મોહસીને કહેલ કે, તે કૃષ્ણનગરમાં જુગારની રેડની બાતમી આપી હતી. તેમ કહી ત્રિપુટીએ હુમલો કરી રૂ.8200ની રોકડ પડાવી લીધી. દેકારો થતા લોકો એકઠા થઇ જતા તેઓએ મને છોડાવતા મોહસીને મને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી જતા સારવારમાં ખસેડાયા હતા. પીએસઆઇ બેલીમ સહિતે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *