પિતાના વિયોગમાં દીકરીનો, પત્ની સાથે મનદુઃખ થતા આધેડનો, બિમારીથી કંટાળી વૃધ્ધાએ અને અગમ્ય કારણોસર કારખાનેદાર યુવાને કર્યો આપઘાત

રાજકોટ શહેરના કુવાડવા રોડ ઉપર આવેલા ગુરૂદેવ પાર્ક શેરી નં.1માં રહેતા કોમલબેન શહેવંતભાઇ રાઠોડ (ઉ.વ.42)એ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. બનાવની જાણ થતાં બી-ડિવીઝન પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક મહિલાના પિતાએ થોડા દિવસો પહેલા આપઘાત કરી લીધો હતો તેના વિયોગમાં સતત ગુમસુમ રહેતા મહિલાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.

પત્ની સાથે મનદુઃખ બાદ ઘરેથી નીકળી ઝેર પી લેનારા સફાઇ કામદાર પ્રૌઢનું મોત

‍ઠક્કરબાપા હરિજનવાસમાં રહેતાં અનિલભાઇ વાઘેલાએ ગત તા.09.04.2026ના રોજ રૈયા ચોકડીથી આગળના રોડ પર ઝેરી દવા પી લેતાં ખાનગી હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી સિવિલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં તેમનું મોત થતા હોસ્‍પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનારા અનિલભાઇ વાઘેલા વોર્ડ નં.5માં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતાં હતાં. તેમને સંતાનમાં ત્રણ દિકરા છે. થોડા દિવસ પહેલા તેમને પત્‍નિ સાથે મનદુઃખ થતાં પત્‍નિએ પોલીસમાં અરજી કરતાં તે ઘર છોડી નીકળી ગયા હતાં આ પછી તેમણે રૈયા ચોકડી નજીક ઝેર પી લીધું હતું પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

વૃદ્ધાએ બિમારીથી કંટાળી ફીનાઈલ પી લેતા મોત

સુધાબેન મોરાણીયાએ ગત 13.04.2026ના બપોરે ફિનાઈલ પી લેતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ હતા જો કે સારવાર કારગત ન નીવડે તે પહેલા મોત નીપજ્યું હતું. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી ડિવીઝન પોલીસને કરતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આપઘાત કરનારા સુધાબેનને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. સુધાબેનને ડાયાબીટીશ, બ્લડપ્રેશર, થાઈરોઈડ તેમજ કિડનીની બિમારીની અને માનસિક તકલીફની સારવાર ચાલુ હતી આમ છતાં ફરક પડતો ન હોવાથી કંટાળી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.

કારખાનેદાર યુવાનનો ઝેરી દવા પી આપઘાત

ધાર્મિક મહેશભાઈ મકવાણા (ઉ.વ.25) નામના યુવકે ગઈકાલે બપોરના સમયે નહેરુનગર આહીર ચોક પાસે કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના બાદ યુવકની તબિયત લથડતા તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતક ધાર્મિક પેનલ અને ઇલેક્ટ્રિક બોર્ડ બનાવવાનું કારખાનું ધરાવતો હતો. ગઈકાલે જ્યારે તે પોતાના કારખાને હતો ત્યારે અચાનક તેને ઉલટી થવા લાગી હતી. આ સમયે તેણે પોતાની બાજુમાં જ કામ કરતા અન્ય વ્યક્તિને જાણ કરી હતી કે તેણે ઝેરી દવા પી લીધી છે જેથી ધાર્મિકને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ ધાર્મિકનું મોત નીપજ્યું હતું.​ ધાર્મિકે કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે કારણ સામે ન આવતા પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *