લીકર પોલિસી કેસમાં EDએ શુક્રવારે બપોરે 2 વાગ્યે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉસ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા. તેમના રિમાન્ડ પર સુનાવણી શરૂ કરવામાં આવી છે. EDએ કોર્ટમાં 28 પાનાની દલીલો રજૂ કરી છે. તપાસ એજન્સીએ 10 દિવસના રિમાન્ડની માંગણી કરી છે. સાથે જ, સીએમને આ મામલે માસ્ટરમાઇન્ડ પણ કહ્યા.
EDએ કહ્યું કે કેજરીવાલ દિલ્હી લિકર પોલિસી ઘડવામાં સીધા સામેલ હતા. બે વખત રોકડ ટ્રાન્સફર કરવામાં આવી હતી. પહેલા રૂપિયા 10 કરોડ અને પછી રૂપિયા 15 કરોડ આપવામાં આવ્યા. કેજરીવાલ પંજાબ અને ગોવાની ચૂંટણી માટે ફંડ ઇચ્છતા હતા. ગોવાની ચૂંટણીમાં 45 કરોડ રૂપિયાનો ઉપયોગ થયો હતો.
ED વતી એડિશનલ સોલિસિટર જનરલ (ASG) રાજુએ દલીલો રજૂ કરી હતી જ્યારે અરવિંદ કેજરીવાલના વકીલો અભિષેક મનુ સિંઘવી, વિક્રમ ચૌધરી અને રમેશ ગુપ્તાએ તેમની દલીલો રજૂ કરી હતી.
કેજરીવાલની 21 માર્ચે સીએમ હાઉસમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેમની રાત ED લોકઅપમાં વિતાવી હતી. આ દરમિયાન દિલ્હીના મંત્રી આતિશીએ કહ્યું કે કેજરીવાલ દિલ્હીના સીએમ જ રહેશે. જેલમાંથી સરકાર ચલાવશે.