રાજકોટ કોર્પોરેશનનાં ભરતીમેળાને આચારસંહિતાનું ગ્રહણ લાગ્યું છે. લોકસભા ચૂંટણીની આચારસંહિતાને કારણે હાલ 60 હજાર કરતા વધુ ઉમેદવારોની ભરતી અટકી પડી છે. હવે જુન મહિનામાં લોકસભા ચૂંટણીના પરિણામો આવે તે બાદ આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ચૂંટણી બાદ મનપામાં જુદી-જુદી 9 કેડરની ભરતી માટેની પરીક્ષાઓ યોજાનાર હોવાનું મ્યુ. કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું.
મળતી માહિતી અનુસાર મનપાના ઇતિહાસમાં જુનીયર કલાર્ક કેડરની બીજી સૌથી મોટી ભરતી પરીક્ષા લેવામાં આવનાર છે. સામાન્ય રીતે મનપા GTU જેવી એજન્સી મારફત પરીક્ષા લેતી હોય છે અને રાજ્યના જુદાં-જુદાં 5થી 6 શહેરોમાં આ પરીક્ષા લેવામાં આવતી હોય છે. જે અંતર્ગત વર્ષનાં પ્રારંભમાં મનપા દ્વારા ભરતી માટેની મોટી જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેમાં કુલ 128 જેટલા જુનીયર કલાર્કની જગ્યા માટે સૌથી વધુ અરજી આવી છે. ગ્રેજ્યુએટની લાયકાત ધરાવતી જુનીયર ક્લાર્કની 128 જગ્યા પર 60,521 જેટલી અરજી આવી હતી.
આ ઉપરાંત ફાયર ઓપરેટરની 64 જગ્યા માટે 2108, સીસ્ટમ એનાલીસ્ટની 2 જગ્યા માટે 156, ગાર્ડન સુપરવાઇઝરની 2 જગ્યા માટે 1630, વેટરનરી ઓફિસરની 1 જગ્યા માટે 66, લાયબ્રેરીમાં ટેકનીકલ આસી.ની 2 જગ્યા માટે 113, આસી. લાયબ્રેરીયનની 4 જગ્યા માટે 306, મહિલા જુનીયર સ્વીમીંગ ઈન્સ્ટ્રકટર 4 જગ્યા માટે 28 ઉમેદવારોએ અરજી કરી છે. અરજી માટેની તમામ પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવી હતી.