ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા જૂની પેન્શન સ્કીમ લાગુ કરવા ઉપરાંત કાયમી શિક્ષકો સહિતનાં કર્મચારીઓની ભરતી સહિતનાં પડતર માગણીઓ મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનાં શિક્ષકો સહિતનાં કર્મચારીઓએ આજે એક દિવસ શિક્ષણનો બહિષ્કાર કર્યો હતો. જેમાં રાજકોટ જિલ્લાની 700થી વધુ શાળાઓનાં 7,000થી વધુ શિક્ષકો શિક્ષણકાર્યથી અળગા રહ્યાં હતા. જેનાથી જિલ્લાના 30,000થી વધુ વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડ્યું હતુ. આ તકે રાજકોટ સંકલન સમિતિના કનવીનરે કહ્યું કે, જો સરકાર દ્વારા પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો આગામી લોકસભા ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવામા આવશે.
રાજકોટની સંકલન સમિતિના મીડિયા કન્વિનર ભરતસિંહ પરમારે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરની ગ્રાન્ટેડ શાળાઓના 1,600થી વધુ શિક્ષકો પેનડાઉન અને ચોકડાઉનમાં જોડાયેલા છે. આ સાથે જ 36 સરકારી વિભાગનાં કર્મચારીઓ જોડાયાં છે. શિક્ષકોની માગણી છે કે, શિક્ષકો માટે જૂની પેન્શન સ્કીમ લાગુ કરવામા આવે, જે કર્મચારીનો માસિક રૂ. 90,000 પગાર હતો. તેનું રૂ. 3,500 નક્કી થયું છે. માસિક આટલા નાણાંમાં શિક્ષકો સહિતનાં કર્મચારીઓનું ઘર ગુજરાન કઈ રીતે ચાલે તેવો સવાલ પણ કર્યો હતો. 2027થી ફિક્સ પગારના કર્મચારીઓને આ નવી પેન્શન સ્કીમ મૂજબ પેન્શન લાગુ કરવામા આવશે તો તેઓને ખૂબ જ મોટું નુકસાન થશે.