રાજકોટના ભાવનગર રોડ પર ગત તા.2 સપ્ટેમ્બર, 2023ના રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા સેટેલાઈટ બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેને 5 માસનો સમય વીતી ગયા બાદ પણ અહીંની હાલત દયનીય હોવાનું સામે આવ્યું છે. ત્યારે દિવ્ય ભાસ્કર ડિજિટલ દ્વારા અહીં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં સામે આવ્યું કે, અહીં ઇન્કવાયરી વિન્ડો સિવાય તમામ જગ્યાએ તાળા જોવા મળે છે. વિદ્યાર્થી અને મુસાફર પાસ, રિઝર્વેશન વિન્ડો, મહિલાઓ માટે આરામ ગૃહ સહિતની ઓફિસ બંધ છે. એસટી બસનાં એન્ટ્રી ગેઇટ પાસે દરરોજ 300 જેટલી બસોના રૂટનું લીસ્ટ મૂકાયેલું છે, પરંતુ તેને બદલે દરરોજ 90 જેટલી બસ દોડી રહી છે. અહીં મુસાફર લક્ષી સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. દરરોજ 2 પાળીમાં દિવસ-રાત ઇન્કવાયરી વિન્ડો અને આઉટ ડેપોની બસો પણ અહિં આવે તો બસ સ્ટેશનના નિર્માણ માટે કરેલો કરોડો રૂપિયાનો ખર્ચ લેખે લાગી શકે તેમ છે.
મુસાફર હિરેન ગોસ્વામીએ જણાવ્યું હતું કે, હું લિફ્ટ ટેક્નિશિયન છું અને ભાવનગરના ઢસા જવા માટે રાજકોટના ભાવનગર રોડ ઉપર આવેલા સેટેલાઈટ બસ સ્ટેશન પર આવ્યો છું. ખંભાળિયા-ભાવનગરની 9.50 વાગ્યાની બસ છે. 9.40 વાગ્યાથી અહીં બસ સ્ટેશન પર બેઠો છું. એક કલાક સુધી રાહ જોયા બાદ બસ સ્ટેશન પર બસ આવી છે. અહીં કેન્ટીન બંધ છે અને તમામ જગ્યાએ તાળા લાગેલા છે. હું બસ સ્ટેશન પર પહોંચ્યો ત્યાર પછી ટોયલેટ અને પાણીના પરબના તાળા ખોલવામાં આવ્યા. બસ સમયસર આવતી નથી, પરંતુ આ સમસ્યા બાબતે કોને કહેવું? કારણ કે અહીં પૂછપરછની વિન્ડો પણ વહેલી સવારે અને રાત્રે બંધ હોય છે.