રાજકોટ સિવિલમાં ગત તા. 19 જાન્યુઆરીના રોજ ટ્રોમા સેન્ટરના ત્રીજા માળે દાખલ 62 વર્ષના દર્દીને O પોઝિટિવને બદલે B પોઝિટિવ બ્લડ ચડાવી દેતાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો અને ડોક્ટરે સારવાર દરમિયાન બેદરકારી દાખવ્યાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. એ બાદ સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ દ્વારા તપાસ કમિટી રચવામાં આવી હતી અને એનો રિપોર્ટ આવતાં જ ડોક્ટર ચિરાગ વાઘેલાને તાત્કાલિક અસરથી 7 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
તા. 19 જાન્યુઆરીના રોજ દિનેશભાઈ રમણિકભાઈ ગોંધિયા (ઉં.વ.62) બાઈક સ્લિપ થતાં ઈજાગ્રસ્ત થયા હતા અને સાથળના ભાગે ફ્રેકચર પણ આવ્યું હતું. જેથી તેમને તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સિવિલના ત્રીજા માળે ટ્રોમા સેન્ટરમાં ડોક્ટર તેમનું ઓપરેશન કરી રહ્યા હતા અને ઓપરેશન બાદ દર્દીને 0 પોઝિટિવ લોહી ચડાવવાની જરૂરિયાત જણાતાં લોહીની બે બોટલ પરિવારજનો પાસે મગાવી હતી. પરિવારજનોએ તરત જ બે લોહીની બોટલ લઈને ડોક્ટરને આપી હતી. આ જ સમયે ટ્રોમા સેન્ટરમાં અન્ય કોઈ દર્દીની પણ સારવાર ચાલી રહી હતી. ડોક્ટરે એકસાથે બે દર્દીને ઓપરેટ કરવામાં ભૂલથી અન્ય દર્દીનું B પોઝિટિવ લોહી દિનેશભાઈને ચડાવી દીધું, જેના કારણે તેમની હાલત એકાએક કથળી ગઈ હતી અને તરત જ વેન્ટિલેટર પર શિફ્ટ કરવા પડ્યા હતા.