ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને 96 વર્ષની વયે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પછી તેઓ ભાજપના બીજા નેતા છે, જેમને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવશે.
મોદીએ સોશિયલ મીડિયા પર અડવાણી સાથેની પોતાની બે તસવીર શેર કરી તેમને અભિનંદન પાઠવ્યા હતા. મોદીએ લખ્યું- મને જણાવતાં ખૂબ જ આનંદ થાય છે કે લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. મેં તેમની સાથે વાત કરી છે અને તેમને અભિનંદન આપ્યા છે.
PMએ લખ્યું, તેઓ આપણા સમયના સૌથી આદરણીય રાજનેતા છે. દેશના વિકાસમાં તેમના યોગદાનને કોઈ ભૂલી શકશે નહીં. તેમણે પાયાના સ્તરેથી કામ શરૂ કર્યું હતું અને દેશના નાયબ વડાપ્રધાનપદ સુધી પહોંચ્યા. તેઓ દેશના ગૃહમંત્રી, માહિતી અને પ્રસારણમંત્રી પણ રહ્યા હતા. તેમની સંસદીય કાર્યશૈલી હંમેશાં અનુકરણીય રહેશે.
‘સાર્વજનિક જીવનમાં અડવાણીજી દાયકાઓ સુધી પારદર્શિતા અને અખંડિતતા માટે પ્રતિબદ્ધ રહ્યા. તેમણે રાજકીય નીતિશાસ્ત્રમાં એક અનુકરણીય ધોરણ સ્થાપિત કર્યું છે. તેમણે રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક પુનરુત્થાનને આગળ વધારવા માટે અભૂતપૂર્વ પ્રયાસો કર્યા છે. તેમને ભારત રત્નથી સન્માનિત કરવા મારા માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ છે. હું હંમેશાં મારું સૌભાગ્ય માનીશ કે મને તેમની સાથે વાતચીત કરવાની અને તેમની પાસેથી શીખવાની અગણિત તકો મળી.’