લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ભરતી મેળો શરૂ થયો હોય એવું લાગી રહ્યું છે. આજે જૂનાગઢના ભેંસાણ ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી અને અપક્ષના ઉમેદવાર અરવિંદ લાડાણી પોતાના કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા હતા. આ તકે કેસરિયો ખેસ ધારણ કર્યા બાદ ભૂપત ભાયાણીએ કહ્યું હતું કે મારા વિસ્તારના વિકાસ માટે હું ભાજપમાં જોડાયો છું.
ભેંસાણ ખાતે ભાજપના કાર્યકર્તાઓનું સંમેલન
લોકસભાની ચૂંટણીનો માહોલ હાલ રાજ્યમાં જામ્યો હોય એવું જોવા મળી રહ્યું છે. કેટનાક નેતાઓ પક્ષ બદલી રહ્યા છે, તો કેટલાક ઘરવાપસી કરી રહ્યા છે. ત્યારે જૂનાગઢના ભેંસાણ ખાતે આજે ભાજપના કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું, જેમાં બહોળી સંખ્યામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.
ભેંસાણ-વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પોતાના 800થી વધુ કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. થોડો સમય પહેલાં ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. કેશોદના પૂર્વ ધારાસભ્ય અને ગત વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષમાં ઉમેદવારી કરનાર અરવિંદ લાડાણી પણ તેના 700થી વધુ કાર્યકર્તાઓ સાથે વિધિવત્ રીતે ભાજપમાં જોડાયા હતા. ત્યારે આજના ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા સંમેલનમાં બહોરી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓએ સીઆર પાટીલના હસ્તે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો.