રાજકોટથી અયોધ્યાની ફ્લાઈટ શરૂ થવાની શક્યતા

અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ થતાની સાથે જ ત્યાં જવા માટે દેશભરમાંથી લોકો ઉમટી રહ્યા છે, ત્યારે ગુજરાતમાંથી એકમાત્ર અમદાવાદથી અયોધ્યાની સીધી ફ્લાઇટ ઉડાન ભરે છે, ત્યારે રાજકોટથી અયોધ્યા માટેની ફ્લાઈટ 6 માસ બાદ શરૂ થાય તેવી શક્યતા છે. જોકે તેમાં પણ અયોધ્યા સાથે વારાણસી અને પ્રયાગરાજનું ટૂર પેકેજ જાહેર થાય તો તેને સારો પ્રતિસાદ મળી શકે તેમ છે.

ફ્લાઈટ શરૂ થાય તો ફાયદો કોને
સૌરાષ્ટ્ર – કચ્છ ટ્રાવેલ એજન્ટ એસોસીએશનના સેક્રેટરી ગોપાલ ઉનડકટે જણાવ્યું હતું કે, 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ થતા જ ભારત દેશ માટે એક નવો અધ્યાય શરૂ થયો છે. કનેક્ટિવિટીની વાત કરવામાં આવે તો અમદાવાદ, દિલ્હી અને મુંબઈથી અયોધ્યા જવા માટેની ફ્લાઇટ શરૂ થઈ છે, પરંતુ હજુ રાજકોટથી આ સુવિધા શરૂ કરવામાં આવી નથી. જેથી રાજકોટથી અયોધ્યાની ફ્લાઈટ શરૂ થાય તો રામ ભક્તો અને ટૂરિસ્ટોને ઘણો ફાયદો થઈ શકે તેમ છે.

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, અયોધ્યાની સાથે વારાણસી અને પ્રયાગરાજ એમ 3 સ્થળને આવરી લઇ 6 રાત્રિ અને 7 દિવસનું પેકેજ જાહેર કરવામાં આવે તો મુસાફરો આ ટૂર પેકેજને વધાવી લેશે એ નક્કી છે. રાજકોટથી અયોધ્યા જવા માટે એક માત્ર મારી પાસે 400 સીટના બુકિંગ છે. આ પ્રકારે અન્ય ટૂર ઓપરેટર પાસે પણ અયોધ્યા જવા માટેનાં બુકિંગ થયાં છે. આ તમામ મુસાફરોને અમદાવાદથી અયોધ્યા ફલાઈટમાં જવું પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *