કાશ્મીરમાં મુગલ રોડ પર અઢી ફૂટ સુધી હિમવર્ષા

ભારતીય હવામાન વિભાગ (IMD)એ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતને કારણે તામિલનાડુમાં પણ વરસાદનું એલર્ટ છે.

અહીં ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે કેરળમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદની સાથે હિમવર્ષા થઈ શકે છે. જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. હિમાચલના લાહૌલ સ્પિતિમાં હિમવર્ષા બાદ 35 રસ્તા અને 45 વીજળી ટ્રાન્સફોર્મર અટકી પડ્યા છે. NH-3 સોલંગનાલાથી અટલ ટનલ અને NH 305 જલોરી જોટ રોડને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.

જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા બાદ કુપવાડાથી તંગધાર કેરન રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. કાશ્મીરને રાજૌરી અને પૂંછચને જોડતો મુગલ રોડ પણ બંધ છે. 30 નવેમ્બર, ગુરુવારે પોશાણાથી પીર કી ગલી સુધીના મુગલ રોડ પર અઢી ફૂટ હિમવર્ષા થઈ હતી.

હિમાચલમાં વરસાદ અને હિમવર્ષાને કારણે કોલ્ડવેવનો પ્રકોપ વધ્યો છે. મહત્તમ તાપમાનમાં ચાર ડીગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાયો છે. અનેક શહેરોમાં લઘુતમ તાપમાન પણ 5 ડીગ્રીની નજીક પહોંચી ગયું છે. શિમલાના નારકંડાના હતુ માતા મંદિર અને ચંશાલમાં બરફની સફેદ ચાદર છવાઈ ગઈ છે.

આગામી 24 કલાક દરમિયાન શિમલા, કુલુ, કિન્નૌર, મંડી, ચંબા, લાહૌલ સ્પિતિ, કાંગડા અને સિરમૌરનાં ઊંચાં શિખરો પર હિમવર્ષા થવાની સંભાવના છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં 3 ડિસેમ્બર સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *