ઉપલેટા નગરપાલિકાના ઉપક્રમે દરબારગઢ વિસ્તારમાં આવેલી ગોંડલ સ્ટેટ વખતની આશરે ૯૦ વર્ષ જૂની પાણીની ટાંકીના રીનોવેશન અને સાફ-સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના કારણે 6 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી સતત દસ દિવસ વોર્ડ નંબર ૬ સિવાયના તમામ આઠ વોર્ડમાં પાણી વિતરણ વ્યવસ્થા બંધ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
આ અંગે ઉપલેટા નગરપાલિકાના મુખ્ય અધિકારી ડૉ. ઉદય નસીતે જણાવ્યું હતું કે આશરે ૧૦૦ વર્ષ જૂની વોટર ટેંકનું રીનોવેશન અત્યંત જરૂરી હોવાથી વોર્ડ નંબર ૧, ૨, ૩, ૪, ૫, ૭, ૮ અને ૯ માં પાણી સપ્લાય બંધ કરવાની ફરજ પડી છે. આ ટાંકી હેઠળ શહેરનો ૮૦ થી ૯૦ ટકા વિસ્તાર આવરી લેવાતો હોવાથી નાગરિકો પાણીનો સંગ્રહ કરી શકે તે માટે દસ દિવસ અગાઉથી જાણ કરી સહયોગ આપવા અપીલ કરાઈ છે
બીજી તરફ, વૈકલ્પિક વ્યવસ્થા વિના પાણીકાપના નિર્ણય સામે નગરપાલિકાના છ સદસ્યો ચંદ્રપાલસિંહ જાડેજા (વોર્ડ નં. ૩), અનીશ ચણા (વોર્ડ નં. ૪), લખમણ ભોપાળા અને જયદીપ ચંદ્રવાડીયા (વોર્ડ નં. ૮) તેમજ ઈમરાનમીયા પીરજાદા અને ગુલામહુસેન બુખારી (વોર્ડ નં. ૯) દ્વારા ચીફ ઓફિસર, પ્રમુખ અને વોટર વર્કસ શાખાને સંયુક્ત લેખિત રજૂઆત કરવામાં આવી છે.
10 દિવસનું પાણી એકસાથે કેવી રીતે સંગ્રહ થઇ શકે?
વોર્ડ નંબર ૩ ના સદસ્ય ચંદ્રપાલસિંહ જાડેજા તથા વોર્ડ નંબર ૯ ના સદસ્ય ઈમરાનમીયા ઈકબાલમીયા પીરજાદાએ જણાવ્યું હતું કે જૂની ટાંકીની સફાઈ થાય તેમાં અમે સહમત છીએ. પરંતુ સ્લમ વિસ્તારો અને સામાન્ય પરિવારો પાસે દસ દિવસ પાણી સંગ્રહની ક્ષમતા હોતી નથી, તેથી તંત્રએ ટેન્કરો અને ટ્રકો મારફત વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ.હાલ લગ્ન પ્રસંગો અને ઉત્સવો ચાલુ હોવાથી ત્રણ-ચાર દિવસથી વધુ પાણી સંગ્રહ શક્ય નથી. તેથી બાયપાસ લાઈન, બોરવેલ કે નિઃશુલ્ક ટેન્કરોની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી કામગીરી સ્થગિત રાખવા માગણી કરવામાં આવી છે.