રાજકોટ શહેરમાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે, જેમાં 15.5 વર્ષની બાળકીને એક વર્ષ પૂર્વે સિવિલ હોસ્પિટલમાં પિતાની સારવાર કરાવવા ગઈ ત્યારે સુરેન્દ્રનગરના શખ્સ સાથે પરિચય થતા આ શખ્સે તેને લગ્નની લાલચ આપી હોસ્પિટલમાંથી જ ભગાડી ગયો હતો. બાદમાં તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચરી ચાર માસનો ગર્ભ પણ રાખી દીધો હતો.
દરમિયાન ગઈકાલે કોઈ કારણોસર સગીરા પરત પોતાના ઘરે રાજકોટ આવી પરિવારને આપવીતી જણાવતા પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા યુનિવર્સિટી પોલીસે સુરેન્દ્રનગરના વિજય ડાભી નામના શખ્સ વિરુધ્ધ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
જુલાઈ 2025માં અપહરણ કરી પોતાના ગામે ગયો
રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ફરિયાદીએ જણાવ્યું હતું કે, આજથી એકાદ વર્ષ પૂર્વે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેઓની સારવાર ચાલુ હતી. દરમિયાન તેમની સાથે તેની સંભાળ માટે 15 વર્ષની દીકરી પણ આવતી હતી. આ સમયે હોસ્પિટલમાં દાખલ અન્ય દર્દીના પરિચિત વિજય ગોપાલભાઈ ડાભી કે જે મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના તાજપર ગામે રહે છે તે પણ હોસ્પિટલમાં હાજર હોય આ સમયે મારી સગીર વયની દીકરી સાથે વાતચીત કરતો હતો. આ ચાર દિવસ દરમિયાન તેને સગીર દીકરીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી જુલાઈ 2025માં અપહરણ કરી પોતાના ગામ ખાતે લઇ ગયો હતો.
સગીરાને ચાર માસનો ગર્ભ પણ રાખી દીધો
આ પછી અચાનક એક વર્ષ પછી દીકરીએ રાજકોટ માતા-પિતાના ઘરે આવી માતા-પિતાને સમગ્ર હકીકત જણાવતા કહ્યું હતું કે, વિજય ડાભી તેને લગ્નની લાલચ આપી લઇ ગયો હતો અને જુલાઈ 2025થી આજ દિવસ સુધી અનેક વખત અવારનવાર શારીરિક સબંધ પણ બાંધ્યા છે અને સગીરાને ચાર માસનો ગર્ભ પણ રાખી દીધો છે.