પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં બિસ્લેરીના પાણીના સેમ્પલમાં કોલિફોર્મ બેક્ટેરિયા મળી આવ્યા છે. ત્યારબાદ ભારતીય ખાદ્ય સુરક્ષા અને ધોરણ પ્રાધિકરણ (FSSAI)એ કંપની સામે કેસ ચલાવવાની મંજૂરી આપી છે. આ માહિતી ન્યૂઝ એજન્સી PTIએ સૂત્રોને ટાંકીને આપી છે.
FSSAI મુજબ, પ્રાથમિક અને રેફરલ બંને લેબોરેટરીમાં તેની પુષ્ટિ થઈ છે. કોલિફોર્મ બેક્ટેરિયા ગટરના પાણી અથવા ગંદી પાઈપો દ્વારા પીવાના પાણીમાં પહોંચી શકે છે.
આ પહેલાં ગોવામાં બિસ્લેરીના પાણીના સેમ્પલમાં કેન્સર સાથે સંકળાયેલા રસાયણો બ્રોમેટ અને પોલીન્યુક્લિયર એરોમેટિક હાઈડ્રોકાર્બન (PAH) મળી આવ્યા હતા. ત્યારે પણ કંપની સામે કેસ ચલાવવાની મંજૂરી આપવામાં આવી હતી.
FSSAIએ બિસલેરીના બેચ નંબર PB 201ના પાણીનો નમૂનો તપાસ માટે લીધો હતો. આ નમૂનો પશ્ચિમ બંગાળના જલપાઈગુડી સ્થિત કંપનીના પ્લાન્ટમાંથી લેવામાં આવ્યો હતો. આ બેચનું ઉત્પાદન 20 જુલાઈ 2026ના રોજ થયું હતું અને તેની એક્સપાયરી તારીખ 19 જાન્યુઆરી 2027 હતી.
બે લેબોરેટરીમાં બેક્ટેરિયા મળી આવ્યાની પુષ્ટિ થયા બાદ 12 ઑગસ્ટ 2026ના રોજ આ બેચના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. આ કાર્યવાહી બિસલેરીના માત્ર એક બેચ (PB 201) સામે કરવામાં આવી છે.