મેટાએ ભારતમાં ‘ઇન્સ્ટાગ્રામ ફોર ટીવી’ એપ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. યુઝર્સ આ એપ દ્વારા મોટી ટીવી સ્ક્રીન પર રીલ્સ, સ્ટોરીઝ અને ક્રિએટર કન્ટેન્ટ જોઈ શકશે.
આ એપ આવનારા દિવસોમાં ભારતમાં સપોર્ટેડ એપલ ટીવી, એમેઝોન ફાયર ટીવી અને ગૂગલ ટીવી ડિવાઇસ પર ઉપલબ્ધ થશે.
આ જાહેરાત મુંબઈમાં યોજાયેલી મેટાની વાર્ષિક ક્રિએટર ઇવેન્ટ ‘હાઉસ ઑફ ઇન્સ્ટાગ્રામ’માં કરવામાં આવી હતી. જોકે, મેટાએ તેના રોલઆઉટની તારીખ હજુ નક્કી કરી નથી.
ઇન્સ્ટાગ્રામ ફોર ટીવી એક સમર્પિત ટેલિવિઝન અનુભવ છે, જે ઇન્સ્ટાગ્રામના કન્ટેન્ટને મોટી સ્ક્રીન પર લાવે છે. ભારતમાં તેનું વર્ઝન મુખ્યત્વે રીલ્સ અને સ્ટોરીઝ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેથી યુઝર્સ ફોનમાં સ્ક્રોલ કર્યા વિના મોટી સ્ક્રીન પર વીડિયો જોઈ શકે.
યુઝર્સ તેમાં વાઇડસ્ક્રીન ફોર્મેટમાં હૉરિઝોન્ટલ રીલ્સ જોઈ શકશે અને ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ્સ પર ફોટા અને કૅરોઝલ પણ બ્રાઉઝ કરી શકશે. આ એપ રીલ્સને યુઝર્સની રુચિ, લોકપ્રિય કન્ટેન્ટ અને ફોલો કરવામાં આવેલા અકાઉન્ટ્સના આધારે અલગ-અલગ ચૅનલ્સમાં વિભાજિત કરશે.