રાજકોટ શહેરમાં માર્ગ અકસ્માતના બે અલગ-અલગ બનાવોમાં સારવાર દરમિયાન બે વ્યક્તિના મોત નિપજ્યા છે. કુવાડવા રોડ વિસ્તારમાં રસ્તો ઓળંગતી વખતે કારની ટક્કરે ઈજાગ્રસ્ત થયેલા સિક્યુરિટી ગાર્ડ અને પેડક રોડ પર રિક્ષાની ટક્કરે ગંભીર રીતે ઘવાયેલા ખાણીપીણીના ધંધાર્થીનું સારવાર દરમિયાન મોત થયું છે. બંને ઘટનાઓને પગલે પરિવારજનોમાં શોક વ્યાપી ગયો છે.
કુવાડવા હાઇવે પર સાત હનુમાન પાસે દેવનગર ઢોરે રહેતા મનસુખભાઈ નાથુભાઈ ઉર્ફે નટવરભાઈ ભખોળીયા (ઉં.વ.50) 24 નવેમ્બરના સાંજે 7 વાગ્યા આસપાસ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન નજીક રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવેના ઓવરબ્રિજ પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન એક અજાણી કારે તેમને ટક્કર મારી હતી અને ચાલક વાહન લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ટક્કરના કારણે માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પહોંચતા આસપાસના લોકોએ 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મોડી રાત્રે 3:30 વાગ્યા આસપાસ તેમનું મોત થયું હતું.
ત્રણ દીકરી અને એક દીકરાએ પિતા ગુમાવ્યા
મોરબી રોડ પર એક ખાનગી પ્રોપર્ટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવ્યા બાદ તેઓ રિક્ષામાં બેસી કુવાડવા રોડ પોલીસ સ્ટેશન પાસે ઉતર્યા હતા અને પોલીસ સ્ટેશનની સામે આવેલા પોતાના ઘર તરફ જવા માટે રસ્તો ઓળંગી રહ્યા હતા. મૃતક ચાર ભાઈ અને એક બહેનમાં બીજા ક્રમે હતા અને તેમના પરિવારમાં ત્રણ દીકરી તથા એક દીકરો છે, જેઓના મોતથી પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે. પોલીસે ફરાર કાર ચાલકને શોધવા માટે તપાસ શરૂ કરી છે.
રિક્ષાની અડફેટે ખાણીપીણીના ધંધાર્થીએ જીવ ગુમાવ્યો
અન્ય બનાવમાં રૂખડીયાપરા ફાટક પાસે રહેતા ક્રિષ્નાભાઈ અવનભાઈ વાયદંડે (ઉં.વ.44) તા. 21 ના રોજ બપોરે 1:00 વાગ્યા આસપાસ પોતાની બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે પેડક રોડ સ્થિત અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ સામે એક રિક્ષા સાથે તેમનો અકસ્માત થયો હતો. માથા અને શરીર પર ગંભીર ઈજાઓ થતા તેમને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર હેઠળ રહ્યા બાદ તા. 23 ના રોજ બપોરે 1:30 વાગ્યા આસપાસ તેમનું મોત નીપજ્યું હતું.
પરિવારજનોના જણાવ્યા મુજબ, ક્રિષ્નાભાઈ મૂળ મહારાષ્ટ્રના વતની હતા અને લાંબા સમયથી પરિવાર સાથે રાજકોટમાં સ્થાયી થયા હતા. તેઓ અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ સામે આવેલા હોકર્સ ઝોનમાં ‘ગણેશ મદ્રાસ કાફે’ નામની ઈડલી-ઢોસાની ખાણી-પીણીની રેકડી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.