ઓડિટ વિભાગનો ક્લાસ-2 ઓફિસર રૂ. 8 લાખની લાંચ લેતા ઝડપાયો

અમદાવાદના નવરંગપુરામાં આવેલા ઓડિટ ભવનમાં આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર (ક્લાસ-2) તરીકે ફરજ બજાવતો વિનસકુમાર સાવરિયા જામનગરમાંથી રૂપિયા 8 લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો. ફરિયાદીના IT રિટર્નની ક્વેરીનું નિરાકરણ આવી ગયું હોવા છતા ક્લોઝ થયેલા એસેસમેન્ટ ઓડિટને ફરીથી ન ખોલવા માટે લાંચની માગણી કરી હતી. જે બાબતે એસીબીનો સંપર્ક કરાતા જામનગરમાં છટકું ગોઠવી અધિકારીને તેની કારમાં જ લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

ક્લોઝ થયેલા એસેમેન્ટ ઓડિટને ફરીથી ન ખોલવા બદલ લાંચની માગણી કરી
​આ કેસમાં ફરિયાદીની કંપનીના મેનેજિંગ ડિરેક્ટર દ્વારા વર્ષ 2024-25માં ભરવામાં આવેલા ઈન્કમટેક્સ રિટર્ન સંબંધિત ક્વેરીનું નિરાકરણ આવી ગયું હતું. તેમ છતાં, અમદાવાદના નવરંગપુરા સ્થિત ઓડિટ ભવન (પીડી સેન્ટ્રલ)ના આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર વિનસકુમાર સાવરિયાએ આ ક્લોઝ થયેલા એસેસમેન્ટ ઓડિટને ફરીથી ન ખોલવા માટે ફરિયાદી પાસે રૂ. 8 લાખની લાંચની માંગણી કરી હતી. ​લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી ફરીયાદીએ જામનગર એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે એ.સી.બી.એ છટકું ગોઠવ્યું હતું.

જામનગર IT ઓફિસ નજીક કારમાં લાંચ લેતા ઝડપાયો
આરોપી ઓડિટ ઓફિસરે ફરિયાદીને ​રૂપિયા આપવા માટે જામનગર-રાજકોટ હાઈવે રોડ પર, ઈન્કમટેક્સ ઓફિસની બાજુમાં અને ત્રિમંદિર જવાના સાઈનબોર્ડ નજીક કારમાં જ બોલાવ્યા હતા. જેથી એસીબીએ ઓફિસરને રૂપિયા લેતા રંગેહાથ ઝડપીને લાંચની રકમ રિકવર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *