રાજકોટ મહાપાલિકા દ્વારા 10 જાન્યુઆરી 2027થી વસ્તી ગણતરીના બીજા તબક્કાની શરૂઆત થશે. આ અંતર્ગત 10થી 24 જાન્યુઆરી સુધી નાગરિકો માટે સ્વ-ગણતરીનો વિકલ્પ રહેશે, 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી કર્મચારીઓ ઘરે-ઘરે જઈને દરેક વ્યક્તિને 40 પ્રશ્ન પૂછશે. 1થી 5 માર્ચ દરમિયાન પુનરીક્ષણ દોર યોજાશે.
નવા વિસ્તારો ભળવાથી શહેરનો વિસ્તાર 161.86 ચોરસ કિમી થયો, જેના કારણે વસ્તી 20 લાખને પાર થવાની શક્યતા છે. આ સમગ્ર કામગીરીમાં મનપા, શાળાઓ, યુનિવર્સિટી અને સરકારી બેંકના અંદાજે 4,200થી વધુ કર્મચારી જોડાશે, તેમજ સ્માર્ટફોન ધારકોને સ્વ-ગણતરીમાં જોડાવા અપીલ કરવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી રહેલી વસ્તી ગણતરીના બીજા તબક્કાની શરૂઆત આગામી 10 જાન્યુઆરી 2027થી થશે. ભારતના રાજપત્રની સૂચના મુજબ, કર્મચારીઓ ઘરે ઘરે જઈને ગણતરી શરૂ કરે તે પહેલાં 10 જાન્યુઆરી 2027થી 24 જાન્યુઆરી 2027 સુધી નાગરિકો માટે સ્વ-ગણતરી (સેલ્ફ)નો વિકલ્પ રહેશે. ત્યારબાદ 25 જાન્યુઆરી 2027થી 28 ફેબ્રુઆરી 2027 સુધી કર્મચારીઓ ઘરે ઘરે જઈને વિગતો એકત્ર કરશે અને 1 માર્ચ 2027થી 5 માર્ચ 2027 દરમિયાન પુનરીક્ષણ દોર યોજાશે. આ કામગીરી માટે સંદર્ભ તારીખ માર્ચ 2027ના પહેલા દિવસે 00:00 વાગ્યાની નક્કી કરાઈ છે. સમગ્ર પ્રક્રિયા માટે રાજકોટમાં 17 અને 18 નવેમ્બર એમ બે દિવસ ટ્રેનિંગ પણ યોજાઈ ચૂકી છે.
નવા વિસ્તારોને કારણે રાજકોટની વસ્તી 20 લાખને પારની શક્યતા
વર્ષ 2011 બાદ લાંબા સમય પછી થઈ રહેલી આ વસ્તી ગણતરીમાં શહેરનો વિસ્તાર વધવાથી કુલ વસ્તી 20 લાખને વટાવી જાય તેવી શક્યતા છે. વર્ષ 1998માં રૈયા, નાનામૌવા અને મવડી ભળ્યા બાદ વિસ્તાર 104.86 ચોરસ કિમી થયો હતો. ત્યારબાદ જાન્યુઆરી 2015માં કોઠારીયા અને વાવડી ભળતા 129.21 ચોરસ કિમી અને જૂન 2020માં મોટામૌવા, મુંજકા, ઘંટેશ્વર, માધાપર તથા મનહરપુર-1 ભળતા કુલ વિસ્તાર 161.86 ચોરસ કિમી થયો છે. વર્ષ 1981માં 4.44 લાખ, 1991માં 5.50 લાખ, 2001માં 10.00 લાખ અને 2011માં 13.46 લાખ વસ્તી નોંધાઈ હતી, જેમાં આ વખતે નવા ભળેલા વિસ્તારોને લીધે મોટો વધારો જોવા મળી શકે છે.