2027ની વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ અલગ અલગ સમાજના રાજકીય નિવેદનો સામે આવી રહ્યા છે, ત્યારે વધુ એક નિવેદન સામે આવ્યું છે. રાજકોટ જસદણના પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે ગઈકાલે(16 નવેમ્બર) સમસ્ત પાટીદાર પરિવારનું ભવ્ય સખી સ્નેહમિલન સમારોહનું આયોજન કરાયું હતું.
આ સમારોહમાં દિનેશ બાંભણિયાએ જાહેરમાં કબૂલ્યું કે, પાટીદાર આંદોલનથી આનંદીબેનને CM તરીકે ગુમાવ્યા તેનો વસવસો છે. તો સામે અનાર પટેલે કહ્યું કે, દિનેશભાઈને ખાસ કહીશ કે કોઈ પણ વાતનું દુઃખ રાખવાની જરૂર નથી, મમ્મીના હૃદયમાં કશું પણ નથી, બહુ ઝડપથી તમને મળાવીશ.
પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ બાંભણિયાને સમર્થન આપતાં બંને એક પીચ પર ઉતર્યા.જ્યારે PAAS (પાટીદાર અનામત આંદોલન સમિતિ)ના કન્વીનર ગીતા પટેલે કહ્યું- આંદોલનકારીઓ દોષિત નથી, હું આનંદીબેનની માફી નહીં માગું. મોદીની મુલાકાત બાદ કોળી CMની માગ ઉઠતા પાટીદારો એલર્ટ મોર્ડમાં આવ્યાની રાજકીય ચર્ચા.
સમારોહમાં બાંભણિયાએ કહ્યું કે, હું ઘણા લાંબા સમયથી એટલે કે 10 વર્ષથી વિચારી રહ્યો હતો અને રોજ એક વાતનો વિચાર આવે કે પાટીદાર આંદોલનથી ઘણું બધું મળ્યું. 10% અનામત, EWS અને યુવાનોને નોકરી મળી પણ અમે એક સારા મુખ્યમંત્રી આનંદીબેન પટેલને ગુમાવ્યા એનો આજે પણ રંજ છે અને દિલથી એટલું બધું દુઃખ થાય છે કે આવા સારા મુખ્યમંત્રીને હટાવવા માટે કે એને દૂર કરવા માટે અમે આંદોલનકારીઓ એક બહાનું બન્યા. સૌ સમજે છે કે શું કારણ હતું, શું કામ આનંદીબેનને હટાવાયા, પણ આજે હું જાહેર મંચ ઉપરથી કહેવા માગુ છું. મને કોઈ વસ્તુની તકલીફ નથી.