રાજકોટ શહેરમાં દિવાળીનાં તહેવારો પૂર્ણ થયા બાદ નવા વર્ષમાં રાજકોટ શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે અને ડેન્ગ્યુ તથા મેલેરિયાના કેસોમાં વધારો નોંધાયો છે. ગત સપ્તાહમાં રાજકોટ શહેરમાં ડેન્ગ્યુના 5 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે મેલેરિયાનો 1 કેસ સામે આવ્યો છે. આ વર્ષની શરૂઆત એટલે કે તા. 1 જાન્યુઆરીથી અત્યાર સુધીના આંકડા પર નજર કરીએ તો રાજકોટમાં ડેન્ગ્યુના કુલ 68 કેસ, મેલેરિયાના કુલ 15 કેસ અને ચિકુનગુનિયાના કુલ 2 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેને લઈને મચ્છરની ઉત્પત્તિ રોકવા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. અને એક સપ્તાહમાં 38,656 ઘરોમાં પોરાનાશક જ્યારે 454 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ દિવાળી પર્વ પૂર્ણ થયા બાદ નવા વર્ષમાં રાજકોટ શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે અને ડેન્ગ્યુ તથા મેલેરિયાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ગત સપ્તાહમાં રાજકોટ શહેરમાં ડેન્ગ્યુના 5 કેસ અને મેલેરિયાનો 1 કેસ નોંધાયો છે, આ ઉપરાંત ચાલુ સપ્તાહમાં શરદી-ઉધરસના 329, સામાન્ય તાવના 305 કેસ અને ઝાડા-ઉલ્ટીના 56 કેસ નોંધાયા છે.
વર્ષની શરૂઆત એટલે કે તા. 1 જાન્યુઆરીથી અત્યાર સુધીના કુલ આંકડા પર નજર કરીએ તો રાજકોટમાં ડેન્ગ્યુના કુલ 68 કેસ, મેલેરિયાના કુલ 15 કેસ અને ચિકુનગુનિયાના કુલ 2 કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે શરદી-ઉધરસના કુલ 35,802 કેસ, સામાન્ય તાવના કુલ 33,548 કેસ અને ઝાડા-ઉલ્ટીના કુલ 11,585 કેસ નોંધાયા છે. આ સાથે ચાલુ વર્ષમાં ટાઈફોઈડના કુલ 40 કેસ અને કમળાના કુલ 44 કેસ નોંધાયા છે, જ્યારે મરડા અને કોલેરાના કોઈપણ કેસ મનપાનાં ચોપડે નોંધાયા નથી.
રોગચાળો વકરતા તંત્ર સતર્ક બન્યું છે. મચ્છરની ઉત્પત્તિ અટકાવવા પોરાનાશક કામગીરી અંતર્ગત ફિલ્ડવર્કર, અર્બન આશા અને MPHW દ્વારા છેલ્લા સપ્તાહમાં જ 38,656 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 454 ઘરોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવી છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન દ્વારા ફોગીંગ કરવામાં આવી રહ્યું છે અને સંવેદનશીલ સોસાયટી, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા વિસ્તારોને ફોગીંગ હેઠળ આવરી લેવાયા છે