રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા નાણાવટી ચોક પાસેની વીતરાગ સોસાયટીમાં જલારામ જયંતિની પર્વની ઉજવણીની તૈયારીઓ વચ્ચે જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. સોસાયટીમાં જ શાકભાજીનું વાહન આડાશ બાબતે થયેલી સામાન્ય બોલાચાલી એટલી હદે વધી ગઈ કે ઉશ્કેરાયેલા કાળા રંગની સ્કોર્પિયો ચાલકે વેપારીને ગળાના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો. આ સમયે પોલીસની 112 ઇમરજન્સી વેન આવી જતાં આરોપી કાર સ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો.
ટેમ્પામાંથી શાકભાજી ઉતારતા સમયે સ્કોર્પિયો ચાલક આવ્યો
વીતરાગ સોસાયટીમાં રહેતા અને સાઉન્ડ સિસ્ટમનો વેપાર કરતા અંકિત ગુણવંતરાય શેઠ (ઉં.વ.41) ગઇકાલે (15 નવેમ્બર) રાત્રિના સોસાયટીમાં આવેલા સોમેશ્વર મહાદેવ મંદિરમાં અન્ય યુવકો સાથે મળીને જલારામ જયંતિની તૈયારીઓ કરી રહ્યા હતા. તે દરમિયાન મંદિર પાસે તેમનું શાકભાજી ભરેલો ‘છોટાહાથી’ વાહન પાર્ક કરેલુ હતું. આ સમયે શાકભાજી ખાલી કરવા માટે વાહન અંદર લઈ જવા બાબતે સોસાયટીની જ એક ભાડે રહેતી મહિલાના સંબંધી અને સ્કોર્પિયો કારના ચાલક ઉમંગ ભુત સાથે વાહન સામસામે આવી ગયું હતું.
ગાડી હટાવવા અને રસ્તો કરવા બાબતે થયેલી બોલાચાલીમાં સ્કોર્પિયો ચાલક ઉમંગ ભુત એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે કારમાંથી છરી કાઢીને અંકિત શેઠ પર હુમલો કરી દીધો હતો. આરોપીએ અંકિત શેઠને ઢીકાપાટુનો માર મારી, ડાબી બાજુ કાનની નીચે તથા ગળાના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો. આ દરમિયાન આસપાસના લોકો દોડી આવ્યા હતા અને વચ્ચે બચાવ કરવા લાગ્યા હતા.