કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે સોમવારે (16 નવેમ્બર) નાણાકીય વર્ષ 2027-28ના સામાન્ય બજેટ (Union Budget 2027-28)ની તૈયારીઓની ઔપચારિક શરૂઆત કરી દીધી છે. સીતારમણે નવી દિલ્હીમાં દેશના અગ્રણી અર્થશાસ્ત્રીઓ (Economists) સાથે પ્રથમ પ્રી-બજેટ પરામર્શ બેઠક (Pre-Budget Consultation)ની અધ્યક્ષતા કરી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ આગામી નાણાકીય વર્ષનું બજેટ તૈયાર કરતાં પહેલાં વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો પાસેથી સૂચનો અને પ્રતિસાદ મેળવવાનો છે.
આ મહત્વપૂર્ણ બેઠકમાં નાણામંત્રી સાથે આર્થિક બાબતોના વિભાગ (DEA)ના સચિવ, મુખ્ય આર્થિક સલાહકાર (CEA) અને નાણાં મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ થયા હતા.
પ્રી-બજેટ કન્સલ્ટેશનનો હેતુ શું છે?
કેન્દ્ર સરકાર દર વર્ષે સામાન્ય બજેટ રજૂ કરતાં પહેલાં અર્થતંત્રના વિવિધ વર્ગો પાસેથી અભિપ્રાયો મેળવે છે. આ વાર્ષિક પ્રક્રિયા (Annual Exercise) દ્વારા સરકાર એ સમજવાનો પ્રયાસ કરે છે કે દેશની વર્તમાન આર્થિક સ્થિતિ શું છે અને આગામી બજેટમાં કઈ પ્રાથમિકતાઓ તથા દરખાસ્તોનો સમાવેશ કરવો જોઈએ.
અર્થશાસ્ત્રીઓ સાથે યોજાયેલી આ ચર્ચામાં દેશના આર્થિક પડકારો, વિકાસ દર (GDP Growth), મોંઘવારી અને રોજગાર જેવા મુદ્દાઓ પર નિષ્ણાતોએ પોતાના વિચારો રજૂ કર્યા. આ સૂચનો દ્વારા નાણાં મંત્રાલયને બજેટની રૂપરેખા અને સરકારી નીતિઓને અંતિમ સ્વરૂપ આપવામાં મદદ મળે છે.