બેલ્જિયમના સ્ટ્રાઈકર રોમેલુ લુકાકુએ 33 વર્ષની ઉંમરે ઈન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તેમણે સોમવારે ઇન્સ્ટાગ્રામ પર આ જાહેરાત કરી.
લુકાકુએ બેલ્જિયમ માટે 16 વર્ષની કારકિર્દીમાં 135 મેચ રમી અને રેકોર્ડ 94 ગોલ કર્યા. તેઓ દેશના સૌથી વધુ ગોલ કરનારા ફૂટબોલર છે. પુરુષોના ઈન્ટરનેશનલ ફૂટબોલમાં સૌથી વધુ ગોલ કરનારા ખેલાડીઓમાં તેઓ 5મા ક્રમે છે.
લુકાકુએ લખ્યું કે તેમણે રાષ્ટ્રીય ટીમ સાથે દરેક પ્રકારની લાગણી અનુભવી છે. તેમણે પોતાના સાથી ખેલાડીઓ, કોચ અને બેલ્જિયમના સમર્થકોનો આભાર માન્યો.
લુકાકુએ બેલ્જિયમ માટે 16 વર્ષની ઉંમરે ડેબ્યૂ કર્યું હતું. તેમણે દેશ તરફથી 4 FIFA વર્લ્ડ કપ અને 3 યુરોપિયન ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. તેઓ બેલ્જિયમની તે ટીમનો ભાગ રહ્યા હતા, જેને ફૂટબોલની ગોલ્ડન જનરેશન કહેવામાં આવી હતી.
લુકાકુએ માર્ચ 2010માં ક્રોએશિયા સામે ડેબ્યૂ કર્યું હતું. તે મેચમાં બેલ્જિયમને 1-0થી હાર મળી હતી. 16 વર્ષ, 9 મહિના અને 18 દિવસની ઉંમરે તેઓ બેલ્જિયમના ઇતિહાસમાં ત્રીજા સૌથી ઓછી ઉંમરે ડેબ્યૂ કરનાર ખેલાડી બન્યા હતા. તેમણે પોતાનો પ્રથમ ઈન્ટરનેશનલ ગોલ 17 નવેમ્બર 2010ના રોજ રશિયા સામે 2-0ની જીતમાં કર્યો હતો.