રાજકોટ શહેરમાં ઓછા વરસાદને કારણે દિવાળી બાદ પાણીકાપ મુકવામાં આવે તેવી શક્યતા હતી. જોકે મેયર ડો. નેહલ શુક્લએ દિવાળી પૂર્વે સરકાર દ્વારા નર્મદાનાં નીર આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી. તેમનાં આ દાવા મુજબ ગઈકાલથી આજી-1માં નર્મદાનાં નીર ઠાલવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે રાજકોટ શહેરનાં બીજા મુખ્ય જળાશય ન્યારી-1 ડેમમાં પણ સૌની યોજના હેઠળ નર્મદાનાં નીર આપવાનું શરૂ કરાયું છે. સિંચાઈ વિભાગ દ્વારા ન્યારીમાં રોજ 15-16 MCFT પાણી છોડવામાં આવશે. જેને કારણે અંદાજે દોઢથી બે મહિનામાં ડેમ છલકાઈ જાય તેવી શક્યતા છે.
પ્રાપ્ત વિગત મુજબ રાજ્ય સરકાર દ્વારા ગઈકાલેથી જ આજીડેમમાં નર્મદાના નીર આપવાનો પ્રારંભ થયો હતો. ત્યારે હાલમાં ન્યારી ડેમમાં પણ સૌની યોજના હેઠળ નર્મદાના નીર આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેને લઈ રાજકોટવાસીઓને આગામી દિવસોમાં પણ પીવાના પાણીની કોઈ સમસ્યા રહેશે નહીં. અને નિયમિત રીતે રોજ 20 મિનિટ પાણીનું વિતરણ મનપા દ્વારા કરવામાં આવશે. ઓછા વરસાદને કારણે પીવાના પાણીને લઈને મુશ્કેલી પડે અને પાણીકાપ મુકવામાં આવે તેવી શક્યતા પર હવે પૂર્ણવિરામ મુકાયું છે.
મનપાનાં સિટી ઈજનેર કે. પી. દેથરીયાએ દિવ્યભાસ્કર સાથેની ટેકઇફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આપણી માંગ સ્વીકારી ગઈકાલે બપોરથી આજી-1 ડેમમાં નર્મદાના નીર આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. અને મોડીરાત્રે ન્યારી-1 ડેમમાં પણ સૌની યોજના હેઠળ નર્મદાના નીર આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. ન્યારીમાં રોજ 15-16 MCFT પાણી સિંચાઈ વિભાગ દ્વારા આપવામાં આવશે. અને ન્યારી ડેમ અંદાજે દોઢ-બે મહિનામાં ભરી દેવામાં આવશે. હવે આજી અને ન્યારીમાં મળીને અલગ-અલગ લાઇન દ્વારા દરરોજ 35 MCFT જેટલું પાણી આપવામાં આવતા પાણીની મુશ્કેલી દૂર થશે.