રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘમાં ચેરમેન વાઇસ ચેરમેનનો વિવાદ મુખ્યમંત્રી સમક્ષ પણ ચર્ચાયો છે. દિલીપ સંઘાણીના સન્માન કાર્યક્રમમાં નામ લીધા વગર ઇશારામાં સાંસદ રૂપાલાએ આ મુદ્દો છેડી ટોણો માર્યો હતો જેમાં રૂપાલાએ રાજકોટ લોધિકા સંઘની ડિપોઝીટની વાત ઉચ્ચારી કહ્યું કે રાજકોટ લોધિકા સંઘમાં 300 કરોડની ડિપોઝીટ છે અને આ એક મજબૂત સહકારી માળખું છે. આ સમયે પ્રદેશ અધ્યક્ષ જગદિશ વિશ્વકર્મા અને મુખ્યમંત્રી હસવા લાગતા રૂપાલાએ કહ્યું જગદિશભાઇ શા માટે હસે છે એ હું જાણું છું પણ અહીં આ વાત કરવા નથી માંગતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે મહિનાથી રાજકોટ લોધિકા સંઘમાં ચેરમેન વાઇસ ચેરમેનની નિમણૂક અધ્ધરતાલ છે. આંતરિક જુથવાદને કારણે આ નિમણૂકો સ્થગિત થઇ છે. જો કે આ વિડીયો પરથી ભાજપનું પ્રદેશ નેતૃત્વએ પણ જુથવાદથી જ આ નિમણૂક અટકાવી હોય તેવું લાગી રહ્યું છે.
રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, વલ્લભભાઈ પટેલએ કો ઓપરેટીવ ક્ષેત્રમાં એવડું મોટું કામ કર્યું છે કે આજે પણ એડિબલ ઓઇલ ક્ષેત્રમાં આપણા જે પ્રશ્નો છે એમનો એમણે એમના સમયમાં પ્રયત્ન કર્યા છે. આખા રાજ્યને પૂરું પાડી શકાય એટલા એડિબલ ઓઇલનું સ્ટોરેજ કરવા માટે કેપેસીટી રાજકોટ લોધીકા સંઘના માધ્યમથી રાજકોટના પાદરમાં ઉભી કરવામાં આવી છે અને આજે પણ એ અડીખમ ઉભી છે. આપણને આશ્ચર્ય થાય કે એમણે આ સંઘ કેવી રીતે ચલાવ્યું હશે આજે પણ એમાં 300 કરોડની ડિપોઝીટ પડી છે.