ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. 38 વર્ષીય મેક્સવેલે ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટની સાથે લિસ્ટ-A અને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લઈ લીધી છે.
મેક્સવેલે જૂન 2025માં વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. હવે તેઓ મેલબર્ન સ્ટાર્સ માટે બિગ બેશ લીગમાં રમતા રહેશે. મેલબર્ન સ્ટાર્સ સાથે તેમનો કરાર 2027-28 સીઝનના અંત સુધીનો છે.
મેક્સવેલે પોતાની છેલ્લી ઇન્ટરનેશનલ મેચ ફેબ્રુઆરીમાં ઓમાન સામે રમી હતી. આ ટી-20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની છેલ્લી ગ્રુપ-સ્ટેજ મેચ હતી.
મેક્સવેલે 2012માં પાકિસ્તાન સામે ટી-20 ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. તેમણે 130 ટી-20 ઇન્ટરનેશનલ મેચોમાં 2,897 રન બનાવ્યા છે. તેઓ આ ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયા માટે ત્રીજા સૌથી વધુ રન બનાવનાર બેટર છે. તેમના નામે 5 સદી નોંધાયેલી છે. ભારતના પૂર્વ કેપ્ટન રોહિત શર્માના નામે પણ ટી-20 ઇન્ટરનેશનલમાં આટલી જ સદી છે.
તેમણે ઓસ્ટ્રેલિયા માટે 7 ટેસ્ટ મેચ પણ રમી છે. તેમાં તેમણે 339 રન બનાવ્યા છે. તેમની એકમાત્ર ટેસ્ટ સદી 2017માં ભારત સામે રાંચીમાં આવી હતી.