અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ભારતીય કન્સલ્ટન્ટ કંપનીઓ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પર સોશિયલ મીડિયા દ્વારા ઉમેદવારોનો પ્રચાર કરવાનો આરોપ છે.
અલ જઝીરાના અહેવાલ અનુસાર, આ લોકો પૈસા લઈને નકલી એકાઉન્ટ બનાવે છે અને તેમના દ્વારા પોતાના ઉમેદવારના સમર્થનમાં પોસ્ટ અને વીડિયો શેર કરે છે.
વિરોધી નેતાઓનાં ભાષણોને એડિટ કરીને ખોટી રીતે રજૂ કરે છે અને તેમની વિરુદ્ધ ખોટા દાવા ફેલાવે છે.
આ કામ માત્ર અમેરિકા સુધી મર્યાદિત નથી. ભારતીય કન્સલ્ટન્ટ્સ આફ્રિકા, દક્ષિણ અમેરિકા, જર્મની, ઑસ્ટ્રેલિયા અને પાડોશી દેશોની ચૂંટણીઓમાં પણ કામ કરી રહ્યા છે.
અમેરિકાના મિશિગનમાં ડેમોક્રેટિક પાર્ટીની સેનેટ પ્રાઇમરીમાં હેલી સ્ટીવન્સના સમર્થનમાં એક્સ પર ઓછામાં ઓછા 28 એકાઉન્ટ્સ પરથી વીડિયો શેર કરવામાં આવ્યા. આ વીડિયોને 70 લાખથી વધુ વખત જોવામાં આવ્યા.
અલ જઝીરા અનુસાર, તેમાંથી ઓછામાં ઓછા 15 એકાઉન્ટ્સ પરથી ભારતમાંથી પોસ્ટ કરવામાં આવી રહી હતી. ઑનલાઇન દુષ્પ્રચાર પર નજર રાખતા સમૂહ એન્ટીબોટ4નવાલ્નીએ આ એકાઉન્ટ્સની ઓળખ કરી હતી.
ક્લેમસન યુનિવર્સિટીના મીડિયા ફોરેન્સિક હબના સંશોધકોએ પણ સ્ટીવન્સના સમર્થનમાં ભારતીય અકાઉન્ટ્સ અને પેજોના ઉપયોગની પુષ્ટિ કરી હતી. જોકે, સ્ટીવન્સ આ પ્રાઇમરી ચૂંટણી હારી ગયાં હતાં. તેમને અબ્દુલ અલ-સૈયદે હરાવ્યાં હતાં.