રાજકોટ શહેરમાં અનૈતિક સંબંધો અને પ્રેમ પ્રકરણનો એક અતિ વિચિત્ર અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના એરપોર્ટ રોડ વિસ્તારમાં એક જ મકાનમાં પતિ, 44 વર્ષીય પરિણીતા અને તેનો 21 વર્ષીય લિવ-ઇન પ્રેમી સાથે રહેતા હતા. 44 વર્ષીય પ્રેમિકા પોતાના ઘરમાં જ કોઈ ત્રીજા યુવક સાથે રંગેહાથ ઝડપાઈ જતાં 21 વર્ષના પ્રેમીએ આવેશમાં આવીને તેને ઢીકાપાટુનો ઢોર માર માર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલી મહિલાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેને દાખલ કરાવવા માટે માર મારનાર પ્રેમી અને મહિલાનો કાયદેસરનો પતિ બંને સાથે પહોંચતાં હોસ્પિટલ સ્ટાફ પણ સ્તબ્ધ થઈ ગયો હતો.
હોસ્પિટલ ચોકી દ્વારા પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરાઈ
આ બનાવની વિગત મુજબ, એરપોર્ટ રોડ પર રહેતી 44 વર્ષીય મહિલાને શરીરે ઇજાઓ સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. ફરજ પરના તબીબોએ તપાસ કરતાં મહિલા પર શારીરિક હુમલો થયો હોવાનું સ્પષ્ટ થતાં તબીબે તેને એમએલસી (મેડિકો-લીગલ કેસ) જાહેર કર્યો હતો. સિવિલ હોસ્પિટલ ચોકીના પોલીસ સ્ટાફે પ્રાથમિક વિગતો નોંધીને બનાવ અંગે સંબંધિત પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનને સત્તાવાર જાણ કરી હતી, જેને પગલે પોલીસે ઘટના સંદર્ભે તપાસનો દોર શરૂ કર્યો છે.
પતિની સહમતીથી પત્ની અને પ્રેમી લિવ-ઇનમાં સાથે રહેતા હતા
પ્રેમિકાને માર મારનાર 21 વર્ષીય પ્રેમીએ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, તે જે દુકાનમાં નોકરી કરે છે તેની બરાબર સામે જ આ પરિણીતા અને તેનો પતિ રહે છે. આ દંપતીને કોઈ સંતાન નથી. પરિણીતા સાથે સામાન્ય પરિચય થયા બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. આ મામલે પરિણીતાના પતિને પણ કોઈ વાંધો કે વિરોધ ન હોવાથી છેલ્લા કેટલાક મહિનાઓથી પ્રેમી, પ્રેમિકા અને તેનો પતિ ત્રણેય એક જ ઘરમાં શાંતિથી સાથે રહેતા હતા.
બહારથી તાળું મારી અંદર નવા પ્રેમી સાથે રંગરેલીયા મનાવતી પકડાઈ
પ્રેમીએ સમગ્ર માથાકૂટનું કારણ જણાવતાં ઉમેર્યું હતું કે, રવિવારે બપોરે તે દુકાનેથી કોઈ કામ સબબ અચાનક ઘરે પહોંચ્યો હતો ત્યારે ઘરના મુખ્ય દરવાજા પર બહારથી તાળું મારેલું હતું, પરંતુ અંદર કોઈ વ્યક્તિ હાજર હોવાની શંકા જતાં તે અગાસી પરથી છૂપી રીતે ઘરમાં દાખલ થયો હતો. અંદર જઈને જોતાં 44 વર્ષીય પ્રેમિકા કોઈ નવા જ અજાણ્યા પ્રેમી સાથે શંકાસ્પદ હાલતમાં રંગેહાથ પકડાઈ ગઈ હતી. પોતાની સાથે થયેલા વિશ્વાસઘાતથી ઉશ્કેરાઈ જઈને ૨૧ વર્ષીય પ્રેમીએ પ્રેમિકા તેમજ તેના નવા પ્રેમી બંનેને ઢોર માર માર્યો હતો. આ ચકચારી કિસ્સો હાલ સમગ્ર રાજકોટ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.