રાજકોટ મનપાના શરદોત્સવનો ફિયાસ્કો

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કવિશ્રી રમેશ પારેખ રંગ દર્શન, રેસકોર્ષ મેદાનમાં ‘શરદોત્સવ–2026’ અંતર્ગત ‘શરદ પૂનમની રાતલડી રંગ ડોલરીયો’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પ્રજાના પરસેવાની કમાણીમાંથી આડેધડ ખર્ચ છતાં આ કાર્યક્રમનો જાણે ફિયાસ્કો થયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. અને સામાન્ય જનતાની અડધાથી વધુ ખુરશીઓ તો ખાલી જોવા મળી હતી. મનપાએ દૂધપૌવાનો પ્રસાદ રાખ્યો હોવા છતાં તે આરોગવા માટે પણ લોકો આવ્યા નહોતા. અને રૂ. 7.25 લાખના ટેન્ડર તેમજ મંડપ વગેરેનાં રેઈટ કોન્ટ્રાકટનાં ખર્ચ મળીને રૂ. 10 લાખથી વધુનો ધુમાડો થયો હતો.

કાર્યક્રમ શરૂ થયા પહેલા સાંસ્કૃતિક વિભાગના ચેરમેન મનીષ ભટ્ટે જણાવ્યું કે, મહાનગરપાલિકા દ્વારા રાજકોટના આંગણે શરદોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટનું સુપ્રસિદ્ધ કંકણ ગ્રુપ ગરબાની પ્રસ્તુતિ કરશે અને સાથે અમરેલીની જેસિંગપરા રાસ મંડળી તથા કારડીયા રાજપૂત સમાજનું ગ્રુપ પણ પોતાની કૃતિઓ રજૂ કરશે. મહાનગરપાલિકા દ્વારા ઘણા વર્ષો પછી આ શરદોત્સવનું આયોજન થઈ રહ્યું છે. ગરબો એ ગુજરાતની ઓળખ, સંસ્કૃતિ અને પરંપરા છે, જેને ઉજાગર કરતા કાર્યક્રમને રાજકોટની જનતા મન ભરીને માણે તે માટે બેઠક સહિતની તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં પધારનાર મહેમાનો અને જાહેર જનતાના સ્વાગતમાં દૂધ-પૌવાના પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં અંદાજે 4,000 લોકો બેસીને કાર્યક્રમ માણે તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *