OBC ક્રીમી લેયર- IASની તાલીમ અટકી

સુપ્રીમ કોર્ટે 11 માર્ચે ઓબીસી ક્રીમીલેયરના નિયમો અંગે એક નિર્ણય આપ્યો હતો. ત્યારબાદ એ અંગે મૂંઝવણ ઊભી થઈ છે કે આ નિયમ માત્ર નવી ભરતી પર લાગુ થશે કે જૂની ભરતી પર પણ. તેની અસર એ થઈ છે કે આઈએએસની તાલીમ બે મહિનાથી અટકી છે. તે ઓગસ્ટના ત્રીજા અઠવાડિયાથી શરૂ થવાની હતી.

કર્મચારી અને તાલીમ વિભાગ (ડીઓપીટી)એ રવિવાર સાંજે આ અંગે એક નોટ જાહેર કરી છે. તેમાં જણાવાયું છે કે સરકાર ઇચ્છે છે કે સુપ્રીમ કોર્ટ સ્પષ્ટ કરે કે આ નિર્ણયનો અમલ કેવી રીતે કરવો. વિભાગે સિવિલ સર્વિસ પરીક્ષાના છેલ્લા 14 વર્ષના ઉમેદવારોના આંકડા એકત્રિત કરીને વિવિધ પાસાઓનું મૂલ્યાંકન કર્યું છે.

આ અંગે કેન્દ્ર સરકારે 24 ઓગસ્ટ 2026ના રોજ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ મામલે કોર્ટે 24 સપ્ટેમ્બરે નિર્ણય અનામત રાખ્યો હતો, જે હજુ સુધી પડતર છે.

સુપ્રીમ કોર્ટે 11 માર્ચે સંભળાવેલા ચુકાદામાં કહ્યું હતું કે- OBC અનામતમાં ક્રીમી લેયરનો નિર્ણય માત્ર માતા-પિતાની આવકના આધારે કરી શકાય નહીં. માતા-પિતા અથવા વાલીના હોદ્દા (પોસ્ટ) અને સામાજિક સ્થિતિને પણ ધ્યાનમાં રાખવા જોઈએ.

સાથે જ કોર્ટે કહ્યું કે જો સરકારી કર્મચારીઓના બાળકો અને ખાનગી અથવા PSU કર્મચારીઓના બાળકોને અલગ-અલગ રીતે અનામત આપવામાં આવે, તો તે અયોગ્ય ભેદભાવ ગણાશે.

જસ્ટિસ પી.એસ. નરસિંહા અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. કોર્ટે કેન્દ્ર સરકારની અપીલ ફગાવી દેતા દિલ્હી, મદ્રાસ અને કેરળ હાઈકોર્ટના ચુકાદાઓને યોગ્ય ઠેરવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *