સુરતમાં યોજાયેલા સખી સ્નેહમિલનમાં ઘુડશિયા ગામના વંચિત પરિવારો માટે વહી સેવાની સરવાણી

ગોંડલ તાલુકાના ઘુડશિયા ગામની દીકરીઓએ ગામ પ્રત્યેનો પ્રેમ, લાગણી અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઘુડશિયા ગામમાંથી લગ્ન કરીને અન્ય ગામોમાં સાસરે ગયેલી બહેનો અને દીકરીઓએ સુરત ખાતે સખી સ્નેહમિલનનું આયોજન કર્યું આવ્યું હતું.

આ સ્નેહમિલનમાં નાની ઉંમરની દીકરીઓથી લઈને વડીલ બહેનો સુધી સૌ એકત્ર થયાં હતાં અને પોતાના વતનના જરૂરિયાતમંદ પરિવારોની મદદ કરવાનો ઉમદા વિચાર રજૂ કર્યો હતો.

આ સેવાકીય વિચારને સાકાર કરવા સૌએ સાથે મળીને કુલ રૂ. 32 હજારની રકમ એકત્ર કરી હતી. આ રકમમાંથી ઘુડશિયા ગામના જરૂરિયાતમંદ પરિવારોને કરિયાણાની કીટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે ગામના પાંચ જરૂરિયાતમંદ પરિવારોને અંદાજે રૂ. 6 હજારથી રૂ. 7 હજારની કિંમતની કરિયાણાની કીટ તૈયાર કરવામાં આવી હતી.

આજે ઘુડશિયા ગામના આગેવાનો દ્વારા આ પાંચેય પરિવારોના ઘરે જઈને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દરેક કીટમાં કરિયાણાને લગતી કુલ 21 પ્રકારની જીવનજરૂરી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેથી જરૂરિયાતમંદ પરિવારોને ઘરવપરાશની આવશ્યક ચીજવસ્તુઓ મળી રહે. સાસરે ગયા પછી પણ વતનમાં વસતા જરૂરીયાતમંદ પરિવારની ચિંતા દીકરીઓએ કરી રાશન મોકલી પૂણ્યનું ભાથું બાંધ્યું

સાસરે ગયા પછી પણ વતન સાથેનો તંતુ દીકરીઓએ જાળવ્યો‎
ઘુડશિયા ગામની દીકરીઓએ સાસરે ગયા બાદ પણ પોતાના વતન સાથેનો નાતો જાળવી રાખીને સમાજસેવાનું જે ઉમદા કાર્ય કર્યું છે તે ખરેખર પ્રેરણાદાયી છે. આ સેવાકાર્યથી જરૂરિયાતમંદ પરિવારોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. પરિવારો દ્વારા દીકરીઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા, જ્યારે ગામલોકોએ પણ આ સરાહનીય પહેલને બિરદાવી હતી.વતનથી દૂર રહીને પણ વતનની માટીનું ઋણ ચૂકવવાની ભાવના સાથે ધૂડશિયા ગામની દીકરીઓએ સાબિત કર્યું કે દીકરીઓ માત્ર પરિવારની જ નહીં, પરંતુ સમગ્ર ગામની પણ શાન અને શક્તિ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *