પનીરમાં મિલ્ક ફેટ ઓછું, ઘીમાં ભેળસેળ, આઇસ્ક્રીમમાં દુધ ઓછું મળતા તમામ ધંધાર્થી સામે કેસ થશે

રાજકોટ મહાપાલિકાની આરોગ્ય અને ફૂડ શાખા દ્વારા તહેવારોની મોસમમાં શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા અસામાજિક તત્વો અને ભેળસેળિયાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફૂડ વિભાગ દ્વારા શહેરભરમાં ખાસ ડ્રાઇવ યોજીને અંદાજે 78 સ્થળોએ સઘન તપાસ કરવામાં આવી હતી અને વિવિધ ખાદ્ય પદાર્થોના કુલ 49 નમૂનાઓ લઇને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. તાજેતરમાં લેવામાં આવેલા પનીર, શુદ્ધ ઘી અને આઇસ્ક્રીમના સેમ્પલના રિપોર્ટ્સ ફેલ સાબિત થતા જવાબદાર ધંધાર્થીઓ સામે એજ્યુડિકેશન કેસની કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

બંને પનીરના નમૂનાઓ ફેઈલ જાહેર કરાયા
તપાસ દરમિયાન બજરંગવાડી ચોક ખાતે આવેલ શ્રી અમૃત ડેરી ફાર્મમાંથી લેવાયેલ પનીરનો લૂઝ નમૂનો અને કોટેચા ચોક સ્થિત જય ધારેશ્વર ડેરી ફાર્મમાંથી લેવાયેલ પનીરના પૃથ્થકરણ રિપોર્ટમાં મિલ્ક ફેડનું પ્રમાણ નિર્ધારિત ધોરણો કરતાં ઓછું મળી આવ્યું હતું અને તેમાં ફોરેન ફેડની હાજરી પણ જણાઈ હતી. આ કારણોસર આ બંને પનીરના નમૂનાઓ સબ-સ્ટાન્ડર્ડ અર્થાત ફેઇલ જાહેર કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત, મવડી મેઈન રોડ પર આવેલા ઉદયનગર-1ના જલારામ ઘી ડેપોમાંથી લેવાયેલ નમિત ગાયના ઘીના સેમ્પલમાં પણ વેજીટેબલ ફેડની હાજરી મળી આવી હતી, જેને પગલે ઘીનો નમૂનો પણ સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયો છે. તેવી જ રીતે, આજી ચોકડી દિનદયાળ ઇન્ડસ્ટ્રીઝ-1માં આવેલ કનૈયા ડેરીમાંથી લેવાયેલા શુદ્ધ ઘીમાં ફોરેન ફેડ અને તલના તેલની મિલાવટ પકડાઈ હતી. અંબિકા ટાઉનશીપ વસંત વાટિકા સામેના શ્રી બાલાજી કોઠી આઇસ્ક્રીમની શ્રદ્ધા કોઠી આઇસ્ક્રીમ (મેંગો)માં પણ ટોટલ સોલિડ્સ અને મિલ્ક ફેડનું પ્રમાણ માપદંડો કરતાં ઓછું જણાતા આ પાંચેય ધંધાર્થીઓ વિરુદ્ધ કાયદેસરની એજ્યુડિકેશન કેસની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *