ઉપલેટા સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલ એક મહાકાય અને વિશાળ વૃક્ષને જડમૂળમાંથી કાપી નાખવાની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. હોસ્પિટલના બાંધકામ તથા રીનોવેશન કામના ભાગરૂપે આ વિશાળ વૃક્ષને રાતોરાત જમીનદોસ્ત કરી નાખવામાં આવ્યું છે.
ત્યારબાદ તુરંત જ ત્યાં સિમેન્ટ કોંક્રિટની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. વન તથા પર્યાવરણ વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૬માં એક સ્પષ્ટ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. તેમાં દર વર્ષે ૧૫ જૂનથી લઈને ૧૫ ઓક્ટોબર સુધીના ચોમાસાના સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારના વૃક્ષ છેદન પર કડક પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ સરકારી નિયમો તથા પરિપત્રનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરીને વૃક્ષો કાપવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.
આ આખી ઘટના અંગે સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે નગરપાલિકા વિસ્તારમાં આવેલા આ સ્થળ પર નિયમોનું પાલન કરાવવાની મુખ્ય જવાબદારી નગરપાલિકાના મુખ્ય અધિકારીની હોવા છતાં તેઓ આ સમગ્ર વૃક્ષ છેદનની ઘટનાથી તદન અજાણ હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક પ્રશાસનની આ અજાણતા કે લાપરવાહી સામે અનેક સવાલો ઊઠી રહ્યા છે.
અગાઉ પણ થોડા દિવસો પહેલાં ઉપલેટા તાલુકા પંચાયતના કમ્પાઉન્ડમાં પણ આવી જ રીતે મહાકાય વૃક્ષોનું છેદન કરવામાં આવ્યું હતું. તે બાબતે પણ તંત્ર દ્વારા કોઈ જ યોગ્ય તથા કાયદેસરની તપાસ કરવામાં આવી ન હતી. આ મુદ્દો હજુ પણ યથાવત છે. ત્યાં ફરી એકવાર આવું કૃત્ય થયું હોવાનું સામે આવ્યું છે.
પર્યાવરણ પ્રેમીઓ તથા સ્થાનિક નાગરિકો દ્વારા આ ગંભીર મામલે વહેલી તકે ઉચ્ચસ્તરીય તપાસ બેસાડીને જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે તેવી પ્રબળ માંગ ઊઠી રહી છે. કડક પગલાં લેવા લોકોમાંથી માગણી ઊઠવા પામી છે