પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન ઉપર અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત નિર્માણાધીન 12 મીટર પહોળા ફૂટ ઓવર બ્રિજના ગર્ડર લોન્ચિંગ માટેની કામગીરી 2થી 8 ઓક્ટોબર દરમિયાન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આ પડકારજનક કાર્ય નિર્ધારિત સમય કરતાં પણ વહેલું સંપન્ન કરવામાં આવ્યું છે. સિનીયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર આ કામગીરી માટે 350 મેટ્રિક ટનની બે ક્રેન, 3 હાઈડ્રા મશીનો, 5 વેલ્ડર, 6 ગેસ કટર, 60 કુશળ શ્રમિકો અને 4 સુપરવાઇઝરો તૈનાત કરવામાં આવ્યા હતા.
ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, ટ્રેનોના સંચાલનમાં ઓછામાં ઓછો વિક્ષેપ પડે તે રીતે સલામતીના તમામ માપદંડો સાથે આ કામ પૂર્ણ કરાયું છે. મુસાફરોની સુરક્ષા અને સુવિધા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આ 12 મીટર પહોળો નવો બ્રિજ ટ્રેનોના આગમન – પ્રસ્થાન સમયે, તહેવારો દરમિયાન તથા મુસાફરોની ભારે અવરજવર વખતે પ્લેટફોર્મ વચ્ચેની હિલચાલને અત્યંત સુગમ બનાવશે. તેની વિશાળ ક્ષમતાને કારણે સીડીઓ અને પ્લેટફોર્મ પરની ભીડ ઘટી જશે અને મુસાફરી વધુ આરામદાયક બનશે.