રાજકોટ મનપા ફૂડ વિભાગનું 39 પેઢીઓમાં ચેકિંગ

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરભરમાં ખાદ્યપદાર્થોનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં દરોડા પાડી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. છેલ્લા બે દિવસ દરમિયાન ફૂડ વિભાગની ટીમોએ જુદા-જુદા વિસ્તારોની કુલ 39 પેઢીઓમાં આકસ્મિક તપાસ કરી હતી. આ ચેકિંગ દરમિયાન કોઠારીયા રોડ આસપાસના વિસ્તારોમાંથી પંજાબી પફ, પંજાબી ગ્રેવી અને લાલ મરચાંના શંકાસ્પદ નમૂનાઓ લેવામાં આવ્યા છે, જેનો લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ ભેળસેળ સાબિત થયે વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

3 શંકાસ્પદ નમૂના પૃથ્થકરણ માટે મોકલાયા
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ ગુણવત્તા ચકાસણી માટે કોઠારીયા મેઈન રોડ સ્થિત ‘ઝેપોલી ફૂડઝ’માંથી પંજાબી પફનો 1 નમૂનો લેવાયો હતો. આ ઉપરાંત હરિધવા રોડ પર આવેલ ‘પટેલ ફેમિલી રેસ્ટોરન્ટ’માંથી લાલ મરચાં પાવડર અને પંજાબી ગ્રેવીના 2 નમૂના એકત્ર કરી પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આગામી તહેવારોને ધ્યાને રાખીને મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં ભેળસેળ તેમજ સ્વચ્છતા અંગે આ ચેકિંગ ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવશે.

શહેરના વિવિધ વિસ્તારોની પેઢીઓમાં તપાસ
મનપાની ટીમે જંક્શન મેઈન રોડ પર આવેલ હરી વેરાયટી સ્ટોર, સ્વામિનારાયણ ફરસાણ, શિવશક્તિ સ્વીટ એન્ડ નમકીન અને સુખસાગર કોલ્ડીંક્સ સહિતની દુકાનોમાં તપાસ કરી હતી. આ ઉપરાંત ગોંડલ રોડ, રાજનગર ચોક સ્થિત રસિકભાઈ ચેવડાવાળા, શ્રીનાથજી ડેરી ફાર્મ તેમજ માલવિયા કોલેજ રોડ પર આવેલી ચામુંડા હોટલ અને જલારામ આઈસ્ક્રીમ સહિતના ખાણી-પીણીના જાણીતા સ્થળો પર દરોડા પાડીને ખાદ્યચીજોની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે ઝીણવટભરી ચકાસણી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *