રાજકોટ જિલ્લા અદાલતમાં મુખ્ય સરકારી વકીલ પદે 11 વર્ષ સુધી લાંબી સેવા આપ્યા બાદ એસ. કે. વોરાને આ પદ પરથી સત્તાવાર રીતે છૂટા કરવામાં આવ્યા છે. તેમના સ્થાને આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર મહેશકુમાર જોશીને ઇન્ચાર્જ તરીકે જિલ્લા મુખ્ય સરકારી વકીલની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. આ લાંબી સેવા બાદ થોડા મહિના પહેલાં જ સંજય વોરાએ સ્વેચ્છાએ રાજીનામું સોંપ્યું હતું, જેના પર વિચારણા પૂર્ણ થયા બાદ સરકારે આખરે આ નિર્ણય લીધો છે.
ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ, કલેક્ટર અને જજને જાણ કરાઈ
ગઈકાલે સાંજે કોર્ટનો સમય પૂર્ણ થયા બાદ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આ અંગેનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. નિયમ મુજબ રાજકોટ જિલ્લા કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ જજની કચેરીને પણ આ મહત્વના ફેરફાર સંદર્ભે ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર પત્ર પાઠવી જાણ કરી દેવાઈ છે. નોંધનીય છે કે જિલ્લાના મુખ્ય સરકારી વકીલનું પદ ન્યાયિક અને વહીવટી દૃષ્ટિએ અત્યંત મહત્વનું ગણાય છે, કારણ કે તેઓ સીધા ગૃહ વિભાગ અને કાયદા વિભાગના નિયંત્રણ હેઠળ કામગીરી બજાવે છે.
નવા ઇન્ચાર્જ ડીજીપી 19 વર્ષનો અનુભવ ધરાવે છે
મુખ્ય સરકારી વકીલ તરીકે ચાર્જ સંભાળનાર મહેશકુમાર જોશી કાયદાકીય ક્ષેત્રે બહોળો અને દીર્ઘ અનુભવ ધરાવે છે. તેઓ છેલ્લા ૧૯ વર્ષથી એડિશનલ ગવર્નમેન્ટ પ્લીડર (AGP) તરીકે સફળતાપૂર્વક સેવા બજાવી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ અગાઉ પણ ત્રણ વર્ષ સુધી રાજકોટના ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા સરકારી વકીલ તરીકે કુશળ કામગીરી સંભાળી ચૂક્યા છે, જેથી તેમના આ અનુભવને ધ્યાને રાખી સરકારે ફરી એકવાર તેમના શિરે આ જવાબદારી મૂકી છે.