એર ઇન્ડિયાની ફ્લાઇટમાં આવતીકાલથી મુસાફરી મોંઘી થઈ જશે. ઇન્ડિગો બાદ એરલાઇને પણ સ્થાનિક ફ્લાઇટ્સમાં 1200 રૂપિયા સુધી અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં 17,800 રૂપિયા સુધીનો વધારાનો ઇંધણ ચાર્જ વસૂલવાની જાહેરાત કરી છે.
નવા ઇંધણ ચાર્જ એર ઇન્ડિયા એક્સપ્રેસ પર પણ લાગુ થશે, કારણ કે બંને ટાટા ગ્રુપની એરલાઇન્સ છે. નવા ભાડા 9 ઑક્ટોબરની રાત્રે 12:01 વાગ્યાથી લાગુ થશે. એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) એટલે કે જેટ ફ્યુઅલ મોંઘું થવાને કારણે એરલાઇને આ નિર્ણય લીધો છે.
એર ઇન્ડિયાએ 7 મહિનામાં ત્રીજી વખત ઇંધણ સરચાર્જ વધાર્યો છે. આ પહેલાં એરલાઇને આ વર્ષે 10 માર્ચે અને ત્યારબાદ 7 એપ્રિલે ભાડામાં વધારો કર્યો હતો.
દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોએ પણ જેટ ફ્યુઅલ મોંઘું થવાને કારણે બે દિવસ પહેલાં એટલે કે 6 ઑક્ટોબર 2026થી ભાડું મોંઘું કર્યું હતું. ઇન્ડિગોએ 6 મહિનામાં ત્રીજી વખત ફ્યુઅલ સરચાર્જ વધાર્યો. આ પહેલાં એરલાઇને આ વર્ષે 14 માર્ચ અને ત્યાર બાદ 1 એપ્રિલે ભાડું વધાર્યું હતું.
જેટ ફ્યુઅલ 1 ઓક્ટોબરથી ₹16 મોંઘું થયું
1 ઓક્ટોબરથી સ્થાનિક એરલાઇન્સ માટે કિંમત ₹121થી વધીને હવે ₹137 થઈ ગઈ છે. એટલે કે 1 લિટર ATFની કિંમતમાં 16 રૂપિયા (લગભગ 13.2%)નો વધારો થયો છે.