દેશના ચાર રાજ્યો પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ અને પુડુચેરીમાં આજે પેટાચૂંટણી યોજાશે. મતદાન સવારે 7 વાગ્યે શરૂ થશે. તેમાં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુની બે-બે વિધાનસભા બેઠકો સામેલ છે. જ્યારે પુડુચેરીમાં એક વિધાનસભા બેઠક અને આસામમાં એક લોકસભા બેઠક પર મતદાન થશે.
સૌથી મહત્વપૂર્ણ પશ્ચિમ બંગાળ છે, જ્યાં 15 વર્ષમાં પહેલીવાર આવી ચૂંટણી યોજાશે. જ્યારે મમતા બેનર્જી રાજ્યમાં ન તો મુખ્યમંત્રી છે, ન ધારાસભ્ય કે ન ઉમેદવાર. મે મહિનામાં આવેલા વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં TMC સત્તામાંથી બહાર થઈ ગઈ હતી. મમતા પણ પોતાની બેઠક હારી ગયાં હતાં.
પહેલાં ચર્ચા હતી કે તેઓ નંદીગ્રામથી પેટાચૂંટણી લડી શકે છે, પરંતુ તેમણે ત્યાંથી સંચિતા પ્રધાનને ટિકિટ આપી હતી. બાદમાં સંચિતા ચૂંટણીમાંથી ખસી ગયાં. હવે આ બેઠક પર મમતાનો કોઈ ઉમેદવાર નથી. બંગાળમાં બીજી બેઠક રેજીનગર પર મતદાન થશે. તમામ બેઠકોનાં પરિણામો 9 ઑક્ટોબરે જાહેર થશે.
રેજીનગરમાં BJP, કોંગ્રેસ, TMCના બંને જૂથો, CPI(M) અને હુમાયૂં કબીરની પાર્ટી જનતા ઉન્નયન પાર્ટી (AJUP) મેદાનમાં છે. રેજીનગર મુસ્લિમ બહુલ બેઠક છે. BJPના શંકરાવ સરકારને છોડીને તમામ અગ્રણી ઉમેદવારો મુસ્લિમ છે. કોંગ્રેસમાંથી મોહમ્મદ અબ્દુલ્લાહિલ કાફી, TMCમાંથી રબીઉલ આલમ ચૌધરી અને AJUPમાંથી હુમાયૂં કબીરના પુત્ર ગોલામ નબી આઝાદ ચૂંટણી લડી રહ્યા છે.
તામિલનાડુ, અસમ અને પુડુચેરીની 5 બેઠકો પર પણ પેટાચૂંટણી
તામિલનાડુ: AIADMKના ધારાસભ્ય કે. મરગથમ કુમારવેલે મધુરાંતકમ બેઠક પરથી અને પી. સત્યભામાએ ધારાપુરમ બેઠક પરથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું. પાછળથી બંનેએ TVK જોઈન કરી લીધી.
પુડુચેરી: મુખ્યમંત્રી એન. રંગાસામીએ એપ્રિલમાં બે બેઠકો પરથી ચૂંટણી જીતી હતી. તેમણે મંગલમ બેઠક પોતાની પાસે રાખીને થટ્ટનચાવડી પરથી રાજીનામું આપી દીધું.
અસમ: કોંગ્રેસ સાંસદ પ્રદ્યોત બોરદોલોઈએ માર્ચમાં લોકસભામાંથી રાજીનામું આપ્યું, BJPમાં સામેલ થયા અને પાછળથી અસમ વિધાનસભા ચૂંટણી લડ્યા. તેથી લોકસભા બેઠક ખાલી થઈ ગઈ.